વિશ્વની શકિતશાળી મહિલાઓની યાદીમાં સામેલ થયા નિર્મલા સીતારમણઃ કવીન એલિઝાબેથને પછાડયા
નવી દિલ્હી, ફોર્બ્સે દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ સ્થાન મળ્યું છે. પહેલીવાર નાણા મંત્રીનું નામ આ યાદીમાં સામેલ થયું છે. ફોર્બ્સ તરફથી જારી કરવામાં આવેલી લિસ્ટમાં તેમને ૩૪મું સ્થાન મળ્યું છે. તેમણે બ્રિટનની મહારાણી કવીન એલીઝાબેથને પછાડીને આ સ્થાન હાંસેલ કર્યુ છે. તેવામાં એવું ચોક્કસ કહી શકાય કે દેશના નાણા મંત્રીને વિશ્વની શકિતશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવવામાં મંદી કે સતત રડાવતી ડુંગળીના ભાવ જરાંય નડયાં નથી. સતત નવમી વાર પ્રથમ સ્થાને જર્મનીની ચાંસેલર એન્જેલા માર્કેલ છે. દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓની ૨૦૧૯ની ફોર્બ્સની યાદીમાં જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ પ્રથમ સ્થાને છે.
બીજા સ્થાને યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રેસિડેન્ટ ક્રિસ્ટીન લેગાર્દ અને ત્રીજા સ્થાને અમેરિકન સંસદમાં નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવ્સની અધ્યક્ષ નેન્સી પેલોસી. આ યાદીમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ૨૯ના સ્થાને છે. ફોર્બ્સનું કહેવું છે કે ૨૦૧૯માં દુનિયાભરમાં મહિલાઓ કરતાં સક્રિયતાથી આગળ વધીને સરકાર, ઉદ્યોગો, મીડિયા અને પરમાર્થ કાર્યોમાં નેતૃત્વકારી ભૂમિકા સંભાળી. સીતારમણ ફોર્બ્સની યાદીમાં પહેલીવાર સામેલ થઇ છે અને તેઓ ૩૪મા સ્થાને છે. ભારતની પ્રથમ નાણા મંત્રી સીતારમણ પહેલાં રક્ષા મંત્રી પણ રહી ચુકયા છે.
સીતારમણ પ્રથમ મહિલા મંત્રી છે જે વતંત્ર રૂપે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. અગાઉ નાણા મંત્રાલયનો કાર્યભાર તત્કાલીન વડાપ્રધાન ઇંદીરા ગાંધી પાસે રહી ચુકયો છે. નિર્મલા સીતારમણ ઉપરાંત ભારતની દવા કંપની બાયોકોનની એમડી અને સીઇઓ કિરણ મજૂમદાર શોને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. પહેલીવાર ૨૩ મહિલાઓને દુનિયાની સૌથી શકિતશાળી મહિલાની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
સાથે જ આઇએમએફના મેનેજિંગ ડાયરેકટર ક્રિસ્ટાલિના જોર્જિવા, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને પોપ સિંગર અને ગીતકાર રિહાના પણ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. તાજેતરમાં જ ડુંગળીના વધતા ભાવને લઇને કેન્દ્રનાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્રારા આપવામાં આવેલો ઉડાઉ જવાબ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલના જવાબમાં ભાંગરો વાટ્યો હતો કે હું કાંદા લસણ ખાતી નથી એટલે મારા પરિવારને કાંદાના ભાવ વધારાથી કશો ફરક પડતો નથી.