Western Times News

Gujarati News

લૂંટારૂઓએ વૃદ્ધાને બંધક બનાવી 2.68 લાખની મત્તાનો હાથફેરો કર્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં મીઠી નીંદણ માણી રહેલી વૃદ્ધાના ઘરમાં વહેલી સવારે વાડા માંથી કાચી દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી વૃદ્ધાને માર મારી બંધક બનાવી રૂપિયા ૨,૬૮,૦૦૦ ની રકમ ઉપર હાથ ફેરો કરી રફુ ચક્કર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે લૂંટારૂ ટોળકીનું પગરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ઝાડેશ્વરના નેતાજી ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે નવા ઘરની ટાઈલ્સ બેસાડવાનું કામ ચાલતું હોય અને ફરીયાદી રાત્રિના સમયે જમીને ઊંઘી ગયેલ અને રાત્રી બાદ મળસ્કે ત્રણેક વાગ્યાના સમયે ફરિયાદીના પગ ઉપર કોઈક વસ્તુ પડતા તે જાગી ગયેલ અને ખાટલામાં બેસી ગયા હતા અને તે દરમ્યાન જ ૨ અજાણ્યા ઇસમો પૈકી એક ઈસમે મહિલાના મોઢા ઉપર હાથ મૂકી દઈ મોઢા ઉપર મુકા મારી ઓઢણીથી બાંધી દીધેલ અને ફરિયાદીને પકડી રાખી હતી.

બીજા ઈસમે વૃદ્ધાના હાથમાંથી સોનાની પહેરેલ બંગડીઓ અને કાનમાં પહેરેલ બુટીઓ કાઢી લીધેલ અને ફરિયાદીને કહેલ કે પૈસા ક્યાં છે? તેમ પૂછતા રૂપિયા નહીં હોવાનું જણાવતા એક ઈસમે ફરિયાદીને ખાટલામાં સુવડાવી દઈ ફરિયાદીની છાતી ઉપર બેસી ગયેલ અને બીજા ઈસમે ફરિયાદીના હાથ પગ ખાટલા સાથે બાંધી દઈને અન્ય એક ઈસમે તેની પાસેના ચપ્પુ વડે ફરિયાદીને હાથના કોણીના નીચેના ભાગે ઘા માર્યો હતો.

જ્યારે બીજા ઈસમે તેના હાથ વડે ફરિયાદીના મોઢા ઉપર મુક્કા મારી કબાટમાંથી રોકડા રૂપિયા ૫૦૦૦ તથા ચાંદીના સિક્કા નંગ ૩ ઓશીકા નીચે મુકેલો મોબાઇલ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા અને ફરિયાદીએ ગળાના ભાગે બાંધેલ કપડાં છોડીને ઘરના આગળના દરવાજે સામે રહેતા મલ્લિકાબેન પટેલને બૂમો પાડી ઉઠાડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

મકાનની કાચી દીવાલમાં બખોલું પાડેલું જાેઈ આજુબાજુના લોકો પણ ચોકી ઉઠ્‌યા હતા અને તાબડતોબ પોલીસને જાણ કરવામાં આવી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે તેની ફરિયાદ લીધી હતી.જેમાં લૂંટારૂ ટોળકીએ ૨,૬૮,૧૪૩ ની લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે લૂંટારૂ ટોળકીનું પગેરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.