Western Times News

Gujarati News

BAPS: બોચાસણ ખાતે મહંતસ્વામીનાં હસ્તે 37 સુશિક્ષિત નવયુવાન પાર્ષદોને ભાગવતી દિક્ષા પ્રદાન થઈ

દીક્ષા લેનાર પાર્ષદ નિશ્ચલ ભગત વિદ્યાનગર સ્થિત BVM કોલેજમાંથી એન્જીનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઉદેપુર IIM માંથી એમ.બી.એ. થયા છે.

દીક્ષાર્થી સાધુના માતા – પિતા ને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને માતા પિતાએ અહી સેવામાં આપી દીધા: મહંત સ્વામી મહારાજ

સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મન ને જીતવાનું છે. આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે. સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે.:મહંત સ્વામી મહારાજ

બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ બોચાસણ ખાતે ગતરોજ તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી  મહારાજનાં હસ્તે ૨૧ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની સંત દિક્ષાની પ્રણાલી અનુસાર અગાઉ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી લઈને તીર્થધામ સાળંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને યોગ્યતા પ્રાપ્ત કરી છે.

એવા ૩૭ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તીર્થધામ બોચાસણ ખાતે તા.૨૨/૧૧/૨૦૨૩ના રોજ સંત દિક્ષા અર્થાર્થ ભાગવતી દિક્ષા પ્રદાન થયેલ છે. આમ બી.એ.પી.એસ. સંસ્થાની સંત પંક્તિમાંમાં હાલ કુલ ૧૧૯૫ સંતો વિદ્યમાન થયા છે.  At Bochasan, 37 well-educated young parshads were given Bhagavati Diksha by Mahantaswami.

સમગ્ર વિશ્વના ૫૫ થી વધુ દેશોમાં આધ્યાત્મિક- સામાજિક સેવાઓનો વ્યાપ ધરાવતી બી.એ.પી.એસ. સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉચિત પદ ધરાવે છે જે સાથે સનાતન હિન્દુ ધર્મના મૂળભૂત મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરીને, રાષ્ટ્ર સેવાની આહલેક જગાવી સૌ કોઈમાં ચારિત્ર્યની દ્રઢતા કરાવી જીવન સાર્થક કરવાનું નક્કર કાર્ય કરી રહી છે, જે માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી વૈશ્વિક સ્તરે બાળ-યુવા-યુવતી અને મહિલા સત્સંગ પ્રવૃતિના કેન્દ્રો પૂર્ણકાલીન કાર્યરત છે.

વ્યસન મુક્તિ, પર્યાવરણ જતન વગેરે તો જાણે કાયમી પ્રોજેકટ જ છે. વિપરીત સમયમાં સમાજને જ્યારે આફત આવે છે ત્યારે ભૂકંપ, સુનામી,પૂર, યુક્રેન-રશિયાના યુદ્ધની પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા માનવ સેવાની ભાગીરથી વહી છે જેની નોંધ સૌ કોઈ અને વૈશ્વિક સ્તરે લેવામાં આવી છે.

સંસ્થાના સેવા આયમોના વિશાળ વ્યાપના કાર્યવાહકો આ સંતો છે. અનેક કાર્ય કુશળતામાં માહિર આ સંતો એક પણ દિવસની રજા, અને કોઈ પણ પ્રકારનું વેતન લીધા વિના સમગ્ર જીવન સત્પુરુષની આજ્ઞા મુજબ સેવા, ભક્તિમાં વિનિયોગ કરે છે એ આજના સમયનો મોટો ચમત્કાર છે અને સનાતન ધર્મના મૂલ્યો આજે પણ જીવંત છે એ વાતની પ્રતીતિ આ સંતોના જીવન, એમની સમજણ અને એમના પ્રદાન દ્વારા સમજાય છે.

વેદ કાળથી ભારતની સંસ્કૃતિ કૃષિપ્રધાન સાથે ઋષિપ્રધાન રહી છે.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનએ કહ્યું હતું “We live in the society not because of the scientific invention, but due to the saints moving over the earth”

સવારે આઠ વાગ્યે દીક્ષા નિમિત્તેની મહાપૂજા વિધિ સંપન્ન થઇ હતી. જેમાં ભાગવતી દીક્ષા લેનારા પાર્ષદોના પૂર્વાશ્રમના એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ આ સમયે દીક્ષાદિનની સભામાં જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ પાર્ષદોને સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેક્સાગરસ્વામીએ કંઠી,

ઉપવસ્ત્ર, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી) એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા અને  પૂજ્ય ડોકટર સ્વામીએ આશીર્વાદ આપ્યાં હતાં અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’અર્થાત્ કે,‘અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું’ એ દીક્ષા મંત્ર આપી દીક્ષાર્થી સંતના ભાલપર ચંદનની અર્ચા કરી અંતરનો રાજીપો વરસાવ્યો હતો. આ પ્રસંગે દીક્ષા લેનાર દીક્ષાર્થીઓના માતા-પિતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

આજનાં આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં અભ્યાસકીય રીતે જોઈએ તો ૫ પોસ્ટ ગ્રેજ્યુએટ,૧૦ બી.ઇ., ૧ બી.સી.એ.,૧ બી.બી.એ.,૬ બી.એસ.સી.,૪ બી.કોમ,૧ બી ફાર્મ,૨ બી.એડ,૧ હોટલ મેનજમેન્ટ, ૬ અન્ય. આમ વિવિધ કારકિર્દી ધરાવતા કુલ ૩૭ પાર્ષદો આજે સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે ગત માસમાં અમેરિકા ખાતે રોબિન્સવીલમાં વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામના ઉદઘાટન વખતે અમેરિકાની ધરતી ઉપર જન્મેલા, ઉચ્ચ કારકીર્દિ ધરાવતા ૩૦ યુવાનોને દીક્ષા આપી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ વરદ હસ્તે કુલ ૨૫૭ સંતો દીક્ષિત થયા છે.

દીક્ષા લેનાર પાર્ષદ શ્રી નિશ્ચલ ભગત એમનું પૂર્વાશ્રમનું નામ હાર્દિકભાઈ છે, જેઓ વિદ્યાનગર સ્થિત બી.વી.એમ. કોલેજમાંથી એન્જીનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઉદેપુર IIM માંથી એમ.બી.એ. થયા છે. ઊંચા પગારવાળી નોકરીનો ત્યાગ કરીને સાધુ થયા છે. એમણે જણાવ્યું કે “ભગવાનની મોટ્યપ સામુ જોઈએ છે ત્યારે ભગવાન અને ગુરુ કરતા આ લોકોની કોઈ ડિગ્રી, પ્રતિષ્ઠા મોટી નથી. સંસારમાં રહીએ તો બે – પાંચ – પંદર વ્યક્તિને સુખી કરી શકીએ, પરંતુ અહી ભગવાન અને ગુરુના સાનિધ્યમાં સમગ્ર વિશ્વ અમારો પરિવાર છે. ”

દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે માતાઓનું સન્માન વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મહિલાઓ દ્વારા દીક્ષાર્થી યુવાનોના માતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આજનાં આ દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, “દીક્ષાર્થી સાધુના માતા – પિતા ને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને અહી સેવામાં આપી દીધા. સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મન ને જીતવાનું છે. આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે.સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે.આ પ્રાપ્તિ મોટી છે. મહારાજ સ્વામીએ સ્વીકાર્યા છે. આ પ્રાપ્તિ મોટી છે.

સેવામાં આપણે મહારાજ સ્વામીને સાથે રાખવાના છે.તો જીવન ધન્ય થઈ જાય.અહી બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ની મૂર્તિઓ પધરાવી લાખો માટે મોક્ષનું દ્વાર ખોલી દીધું. આપણને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા તે મોક્ષ માર્ગમાં ખામી રહેવા નહિ દે. ” આ પ્રસંગે સ્વામીશ્રીને વરિષ્ઠ સંતોએ પુષ્પહારથી વધાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.