બ્રેઇન ડેડ રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણને નવજીવન મળશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન-બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ છે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે
સિવિલમાં અત્યારસુધીમાં ૧૩૭ બ્રેઇન ડેડ અંગદાતાઓના ૪૪૦ અંગોનું દાન મળ્યું- સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન થયું છે.અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે.
૧૪ મી નવેમ્બરે હેમરેજ થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ૭ દિવસની સઘન સારવાર ના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં. ૭ દિવસ જીંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝુમી જ્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું હતું.
પરંતુ આવી દુ:ખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને ત્રણ જરુરિયાતમંદોના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો.
બ્રેઇન ડેડ રાજારામના અંગોના રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમા દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશીએ આ અંગદાનના સંદર્ભે જણાવ્યું હતું કે, દિવાળી બાદ નવા વર્ષમાં આ જયસ્વાલ પરિવાર તરફથી કરવામાં આવેલ અંગદાને માનવતાની મિસાલ પ્રસ્થાપિત કરી છે. સિવિલમાં અત્યારસુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૪૦ અંગો મળ્યાં છે.