Western Times News

Gujarati News

વિસનગરમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્ત તુલા કરવામાં આવી

વિસનગર ખાતે 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ-સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તિત કરવાનો રાજ્યનો વિકાસ પુરુષાર્થ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી રૂ.૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ૪૩ જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું.

આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીની રક્ત તુલા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષ-2080 ની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નંખાયો જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. મુખ્યમંત્રીશ્રીએ આજના અવસરને “વિકાસ ઉત્સવ” ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય

અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને સો ટકા લક્ષપૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીશ્રીએ ભાઈબીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે એકપણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસરત થવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ભારત દેશનું વિશ્વભરમાં ગૌરવ વધ્યું છે ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ નાગરિકો પ્રતિબદ્ધ બને. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે રાષ્ટ્રચેતનાનો દિપક પ્રત્યેક નાગરિકના દિલમાં પ્રજવલિત થાય તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.

આઝાદી થી મળેલા સ્વરાજને હવે સુરાજ્યમાં પરિવર્તિત કરવાનું છે અને એ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કર્મમંત્ર સાથે  વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આજના કાર્યક્રમને સેવા, દાન અને વિકાસનો મહાસંગમ જણાવી મહેસાણા જિલ્લાના લોકોની સેવામાં રૂ.૧૦૯ કરોડના વિકાસકાર્યો  સમર્પિત થઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિકાસકાર્યો સાથે બાળકો, કિશોરીઓ, દિવ્યાંગજનો સહિત સમાજના જરુરીયાતમંદ લોકોને દાતાઓ તરફથી અંદાજીત રુ.૩૦ થી ૪૦ કરોડની રકમથી વિવિધ સહાયનું દાન મળ્યું છે તેમ કહ્યું હતું.

તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો જેના ભાગરૂપે ગુજરાત આજે ફક્ત વિકાસની જ વાત કરે છે અને વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને લોકોના સેવાકાર્ય કરે છે.

આજે પ્રધાનમંત્રીશ્રીએ કાશી વિશ્વનાથ, સોમનાથ, અંબાજી જેવા તીર્થ સ્થળોની કાયાપલટ કરીને, અંદાજિત રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે તારંગા, ધરોઇ, વડનગર પ્રવાસન સર્કિટનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. અંબાજી-આબુ રોડ રેલ્વે લાઇનના આયોજન થકી પરિવહન સેવાને સરળ બનાવવાની સાથે ઔધોગિક અને રોજગાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કોઈપણ માતબર ખર્ચની પરવા કર્યા સિવાય સમાજના દરેક વર્ગના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે રાજ્યનું એકપણ તળાવ પાણી વિહોણું ખાલીખમ ન રહે તે માટે પાણીના સ્તર ઉંચા આવે તેવા પ્રયાસો હાથ ધરીને ગુજરાતના ખેડૂતોને વધું સમૃદ્ધ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ મહા સમારોહના માધ્યમથી સમાજના અગ્રણીઓને તેમના શેરી, મહોલ્લા અને ગામને કુપોષણ મુક્ત બનાવવા માટેની દિશામા કાર્ય કરી સામાજિક દાયિત્વ નિભાવવા આહવાન કર્યું હતું. તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે દિકરીઓ, કિશોરીઓ, સગર્ભાઓનુ કુપોષણ આને એનિમિયા મુક્ત હોવું અતિ આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે મહેસાણા જિલ્લામાં C.H.C., P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં નવીન ૬૨ એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી હતી તથા  રૂ. ૯.૭૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. ૩૬.૨૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં રૂ. ૬૧.૫૧ કરોડના કામોનું ભૂમિપૂજન અને રૂ. ૧.૬૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કુપોષણ નિવારણ માટે લાભાર્થી બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ધારાસભ્યો સર્વશ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી કરશનભાઈ સોલંકી, શ્રી સુખાજી ઠાકોર, પૂર્વ સાંસદશ્રી જીવાભાઈ પટેલ અને શ્રી જુગલસિંહ લોખંડવાલા, ટોરેન્ટ અને કેડિલા ગ્રુપના પ્રતિનિધિશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રી ગિરીશભાઈ રાજગોર સહિત અગ્રણીઓ, અગ્ર સચિવશ્રી ધનંજય દ્વિવેદી, કલેકટરશ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમપ્રકાશ, પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી સહિત અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.