મુસ્લિમ ભાઈઓએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કર્યું
૩૩ બોટલ લોહી એકત્ર કરાયું
પાલનપુર, પાલનપુર તાલુકાના વાસણ પરા ગામે મુસ્લિમ બિરાદરોએ થેલેસેમિયા તેમજ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીની બોટલ મળી રહે તે માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૩ બોટલ લોહી એકત્ર કરાયું હતું. જે દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. કોમી એખલાસની ભાવના સાથે યોજાયેલા આ કેમ્પની સૌકોઈએ સરાહના કરી હતી.
પાલનપુર તાલુકાના વાસણ પરા ગામે મુસ્લિમ સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો. આ અંગે મુસ્તકિમભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રકતદાન કેમ્પનો આશય થેલેસેમીયા, સીકલસેલ એનીમિયા, હીમોફેલીયાના બાળકો તથા ગંભીર અકસ્માત અને પ્રસૂતિના કેસમાં તાત્કાલિક લોહીની જરૂરિયાતને પહોંચી વળાય તે હતો. જેમાં સમાજના ઉત્સાહિત યુવકોએ ૩૩ બોટલ રકત આપ્યું હતું.
આ અંગે શકુરશા પઠાણે જણાવ્યું હતું કે, મે ત્રીજી વખત રકતદાન કર્યુ છે મારા લોહીથી કોઈનો જીવ બચી જશે તેનો આનંદ છે કેમ્પને સફળ બનાવવા માટે મુસ્તકિમભાઈ ચૌધરી, રીઝવાનભાઈ ઢુકકા, હાજીયાઉદ્દીન ભાઈ સહિત યુવકોએ જહેમત ઉઠાવી હતી. નાનકડા ગામના મુસ્લિમ બિરાદરોની કોમી એખલાસની ભાવનાને સૌ કોઈએ બિરદાવી હતી.