FD ઓનલાઈન તોડી ઠગે 4.83 લાખ ટ્રાન્સફર કરી લીધા
નડિયાદ, નડિયાદના પોશ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. કોઈ ઠગ દ્વારા તેમના ખાતામાંથી તેમની જાણ બહાર ચાર ટ્રાન્ઝેકશન થકી રૂ.૪.૮૩ લાખ ઉપાડી લીધા હતા બેંકના મેનેજર દ્વારા ફોન કરી મોટી રકમ ઉપડયા મામલે પુછતા નિવૃતે ઠગાઈ થયાનું જાણ્યું હતું.
નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટે આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમના બંધન બેંકમાં ત્રણ ખાતા છે, ગત તા.ર૦.૧૦.ર૩ના રોજ બેંકના મેનેજરે તેમને ફોન કરી જણાવેલ કે તમે તમારા ખાતામાંથી રૂ.૧,૯૯,૯૯૦નું ટ્રાન્ઝેકશન કર્યું છે જેથી તેમણે ના પાડી હતી.
રાજેન્દ્રભાઈએ બેંકની રુબરુ મુલાકાત લઈ છેલ્લા એક મહિનાથી બેંકની એપ બંધ હોઈ અને તેઓ તમામ નાણાકીય વ્યવહાર રૂબરૂ બેંકમાં આવીને જ કરતા હોવાનું જણાવતા બેંક દ્વારા તેમના ખાતાની તપાસ કરવામાં આવી હતી જેમાં તેમની ત્રણ લાખ અને પાંચ લાખની બે એફડીમાંથી કોઈ ઠગે ઓનલાઈન બ્રેક કરી રૂ.૪.૮૩ લાખ અલગ અલગ ટ્રાન્ઝેકશનથી પડાવી લીધા હોવાનું સામે આવતા નિવૃત્તે આ મામલે સાઈબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
જેની તપાસમાં ગત તા.૧૯.૧૦.ર૦ર૩ના રોજ ૧.૦૯ લાખ, ૧,૯૯,૯૯૯, રપ હજાર અને દો લાખ ઠગે સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંકના ખાતામાં જમા લઈ લીધા હોઈ આ મામલે નિવૃત્તે ફરિયાદ નોંધાવી છે.