વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવતા નર્મદા જિલ્લાના ગ્રામજનો

વિકસિત ભારત, સંકલ્પ યાત્રા:- નર્મદા જિલ્લો-ધારાસભ્યશ્રી શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં નાંદોદના ભચરવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર
રાજપીપલા, વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના રૂટિન મુજબ નર્મદા જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ અને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીનીસિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેના સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાના પ્રસંગે નાંદોદ ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ, સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ ગામ લોકોને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સૌના કલ્યાણની યાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ વેળાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, APMC ચેરમેન દિનેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી જે.કે.દવે, તાલુકા વિકાસ અધિકારી, અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.