કન્સ્ટ્રકશન સાઈટ પરથી રૂ.૪.ર૪ કરોડના માલસામાનની ચોરી
ચાંદખેડા વિસ્તારમાં બની રહેલી બે સાઈટોના ગોડાઉનમાંથી માર્બલ, ગ્રેનાઈટ, ટાઈલ્સ, સીમેન્ટ
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં આવી ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે તસ્કરો આયોજનબદ્ધ રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહયા છે. શહેરના હાથીજણ વિસ્તારમાં મ્યુનિ. કોર્પો.ના ગોડાઉનમાંથી ચોરી થયાની ઘટનામાં તપાસ ચાલી રહી છે. વજનદાર વસ્તુઓ લઈ જવા માટે તસ્કરો વાહનોનો પણ ઉપયોગ કરતા હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે પોલીસ નાઈટ પેટ્રોલીંગના દાવા કરી રહી છે
ત્યારે શિયાળાની ઋતુમાં ચોરીની ઘટનાઓ વધવા લાગી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલી રહેલી (Construction site at Chandkheda) કન્સ્ટ્રકશન સાઈટના ગોડાઉનમાંથી બિલ્ડિંગ બનાવવા માટે લાવવામાં આવેલી વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે. સાઈટ પરના એન્જીનીયરે હિસાબ કરતા ગોડાઉનમાંથી માર્બલ, સ્ટાઈલ્સો પાઈપો (Pipes, marbles, Tiles stolen from Godown) સહિત કુલ રૂ.૪ કરોડથી પણ વધુની કિંમતનો માલ સામાન ચોરાયો હોવાનું જણાતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાકે આ ચોરીની ઘટનામાં ગોડાઉનના ચોકીદાર પર જ શંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના થલતેજ વિસ્તારમાં રેડ એવન્યુમાં રહેતા બિલ્ડર કૃણાલભાઈ પ્રવિણભાઈ ઠક્કર (Kunal Pravinbhai Thakkar, Res. of thaltej area, ahmedabad) બિલ્ડીંગો બનાવવાનું કામ કરી રહયા છે તેણે કેટલીક કન્સ્ટ્રકશન સાઈટો પૂર્ણ કરી છે અને હાલમાં શહેરના ન્યુ ચાંદખેડા વિસ્તારમાં લેન્ડ માર્ક રેસીડેન્સીની (Land mark residency building construction site in new Chandkheda area) સામે સમન્વય રેસીડેન્સી અને સમન્વય ગ્લોબલ નામની બે સાઈટો શરૂ કરી છે આ સાઈટો પર મોટી માત્રામાં શ્રમિકો કામ કરી રહયા છે સાઈટ પર એન્જીનીયરીંગનું કામ રોહિતભાઈ નામનો યુવાન કરી રહયો છે.
જયારે કપીલ ધાનાણી નામનો યુવક સાઈટ પર જરૂરી ચીજવસ્તુઓ લાવવાનું કામ કરે છે. છેલ્લા બે વર્ષથી આ સાઈટનું કામ ચાલી રહયું છે. બંને સાઈટો મોટી હોવાથી તેમાં ઉપયોગમાં લેવાનારી વસ્તુઓની ખરીદી પણ મોટાપાયે કરવામાં આવી હતી અને આ તમામ માલસામાન સાઈટ પર જ બનાવવામાં આવેલા ગોડાઉનમાં મુકવામાં આવી હતી. કરોડો રૂપિયાના માલ સામાનની ખરીદી કર્યા બાદ બનાવવામાં આવેલા ગોડાઉનની ચોકીદારીનું કામ ભાવેશ ઉર્ફે વિપુલ નામનો યુવક કરતો હતો અને તે ગોડાઉનની બહાર જ હાજર જાવા મળતો હતો
આ દરમિયાનમાં તાજેતરમાં રોહિતભાઈએ ગોડાઉનમાં પડેલા માલસામાનનો હિસાબ કર્યો હતો અને હિસાબ કરતા જ મોટી માત્રામાં ચીજવસ્તુઓ ઓછી જાવા મળી હતી.
જેના પરિણામે તેણે શંકા ગઈ હતી અને આ અંગેની જાણ રોહિતભાઈએ સાઈટના માલિક કૃણાલભાઈ ઠક્કરને કરી હતી આ દરમિયાનમાં ગોડાઉનનો ચોકીદાર ભાવેશ ઉર્ફે વિપુલની પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને તે અચાનક જ કોઈને પણ કહ્યા વગર નોકરી છોડીને જતો રહયો હતો.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે બિલ્ડરે એન્જીનીયરને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા તેમાંથી બ્લેક ગ્રેનાઈટ, વાઈટ ગ્રેનાઈટ, વોશ બ્રેસીંગનો જથ્થો, બાથટર્બ, લાકડાના દરવાજા, પાણીની ટાંકીઓ, સીમેન્ટની થેલીઓ, પીવીસીની પાઈપો, ચકલીઓ સહિતનો મોટો જથ્થો જાવા મળ્યો ન હતો આ તમામ વસ્તુઓનો હિસાબ કરતા તેની કિંમત રૂ.૪.ર૪ કરોડની થવા જાય છે.
આ દરમિયાનમાં ભાવેશના ઘરે જઈ તપાસ કરતા તેના ઉદ્ધત જવાબથી શંકા વધુ દ્રઢ બની હતી અને તેને ઘરમાં પણ ચોરાયેલા મટીરિયલનો ઉપયોગ થયો હોવાનું જાવા મળ્યું હતું. ભાવેશ ઉર્ફે વિપુલ ચાંદખેડા વિસ્તારમાં જ વિસંત પેટ્રોલપંપની સામે સનરાઈઝ નગરમાં રહે છે અને તેના ઘરમાં પણ કેટલોક માલ સામાન પડેલો જાવા મળ્યો હતો. જેના પગલે બિલ્ડર કૃણાલ પ્રવિણભાઈ ઠક્કરે આ અંગે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.કૃણાલભાઈએ પોલીસ ફરિયાદમાં ઉપરોક્ત તમામ હકીકતો જણાવતા પોલીસે ભાવેશ ઉર્ફે વિપુલની તપાસ શરૂ કરી દીધી છે.
બિલ્ડર કૃણાલ પ્રવિણભાઈ ઠક્કરની ઓફિસ એસ.જી.હાઈવે પર ઈસ્કોન મંદિરની પાછળ આવેલી છે અને તેઓ મોટાભાગે તેઓની ઓફિસમાં જ હાજર હોય છે તથા નિયમિત સાઈટની મુલાકાતો પણ લેતા હોય છે. ૪ કરોડથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થતાં તેઓ પોતે પણ ચોંકી ઉઠયા છે.