ડ્રાયવરની નોકરી કરતાં 33 વર્ષના યુવકના હૃદય સહિત પાંચ અંગોનું અંગદાન
અંકલેશ્વરથી ગ્રીન કોરિડોર બનાવી સુરતમાં હાર્ટ, કીડની અને ફેફસા લઈ જવાયા, જ્યારે આંખો ભરૂચ રોટરી આઈ બેન્કને દાનમાં અપાઈ
ઓર્ગન ડોનેશનના ઈતિહાસમાં પ્રથમ ઈનહાઉસ પોસ્ટમોર્ટમ અંકલેશ્વરમાં કરાયું
અંકલેશ્વર, ભરૂચ જીલ્લામાં સૌપ્રથમવાર હૃદય સહિત પાંચ અંગોનું અંગદાન કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં પહેલી વખત ઈનહાઉસ પોસ્ટમોર્ટમ અંકલેશ્વરમાં કરવામાં આવ્યું છે.
વાલિયા તાલુકાના મોતીપરા ગામનો ૩૩ વર્ષીય યુવાન યોગેશ રમણભાઈ વસાવા કે જે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તે ગત તા. ૨૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ અંકલેશ્વરના ગોપાલનગર-ગાર્ડન સિટી નજીક સવારે બાઈક સવાર દૂધવાળાને અડફેટે લીધો હતો. માર પડવાની બીકે ભાગવા જતાં શિવદર્શન સોસાયટીની દિવાલ કૂદતા ૨૦ ફૂટ નીચે ખાડામાં પડ્યો હતો.
બે સંતાનના પિતા યોગેશ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેની હાલત નાજુક હોય તેને આઈસીયુ વિભાગમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ યોગેશ વસાવાને બ્રેઈન ડેડ જાહેર કર્યાે હતો. સુરતની ડોનેટ લાઈફ સંસ્થાએ બ્રેઈનડેડ યોગેશ વસાવાના પરિજનોને અંગદાન અંગે માહિતી આપી હતી.
આદિવાસી યુવાન યોગેશ વસાવાના પિતા રમણભાઈ, પત્ની શીતલબેન સહિતના પરિવારે મૃત્યુ બાદ પોતાનો લાડકવાયાનાં અંગદાન થકી અન્યોને નવજીવન મળશે તેવી શુભ આશયથી પુત્રના અંગદાન અંગે સંમતી દર્શાવી હતી જેમાં બ્રેઈનડેડ યુવક યોગેશ વસાવાનું હૃદય સહિત પાંચ અંગોનું અંગદાન કરવામાં આવ્યું હતું.
જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા બ્રેઈનડેડ યુવકની કિડની, ફેફસા, હૃદય અને લીવરનું દાન મેળવી પોલીસના ગ્રીન કોરિડોર, બંદોબસ્ત વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે સુરત અને ત્યાંથી બાય એર એમ્બ્યુલન્સ વડે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા.
અંગદાન એજ મહાદાનના સૂત્રને સાર્થક કરતાં પરિવારના નિર્ણયથી યોગેશ વસાવાના મૃત્યુ પછી પણ તેમના અંગો જરૂરિયાતમંદોને નવજીવન આપશે. ભરૂચ જીલ્લામાંથી પહેલું હાર્ટ ડોનેશન અને ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં પહેલું ઈનહાઉસ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પહેલાં ઓએનજીસી સાથે સંકલન કરી ચોપરની વ્યવસ્થાની તજવીજ હાથ દરાઈ હતી.
જા કે તે શક્ય ન બનતાં અંકલેશ્વર થી સુરત ગ્રીન કોરિડોર બનાવી સુરત એરપોર્ટ પર અંગો પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં અંગદાતા મૃતક યોગેશનું હૃદય, કિડની, લીવર અમદાવાદ સિમ્સ અને ફેફસા મુંબઈ રિલાયન્સ હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સમાં રવાના કરાયા છે. જ્યારે તેની આંખો રોટરી આઈ બેંકને દાનમાં અપાઈ છે.