એક જ દિવસમાં 15 હજારના 36 હજાર કમાવી દીધા TATA ટેકનોલોજીના IPOએ
140 ટકા પ્રિમીયમથી લીસ્ટીંગ બાદ વધીને 1400 સુધી પહોંચ્યો
રાજકોટ: ભારતીય શેરબજાર નવા રેકોર્ડ સ્થાપી રહ્યું છે અને માર્કેટ કેપ પ્રથમવાર ચાર ટ્રીલીયન ડોલરને આંબી ગઈ છે. તેવા સમયે પ્રાયમરી માર્કેટે પણ ઈતિહાસ રચ્યો છે. અભુતપુર્વ ક્રેઝ સર્જનાર ટાટા ટેકનોલોજીએ આઈપીઓનાં ભરણા બાદ લીસ્ટીંગમાં પણ નવો ઈતિહાસ આલેખ્યો છે.
500 રૂપિયાના ઓફર ભાવ સામે રૂા.1200 માં શેરનું લીસ્ટીંગ થયુ હતું. ઈન્વેસ્ટરોને 15000 રૂપિયાના રોકાણ પર 21000 રૂપિયાની કમાણી થઈ હતી. મેઈન બોર્ડનાં મોટા આઈપીઓમાં 140 ટકા જેવા ઉંચા ભારે લીસ્ટીંગનો આ કદાચ પ્રથમ બનાવ છે.લીસ્ટીંગ બાદ ભાવ વધુ ઉંચકાઈને 1400 ના સ્તરે પહોંચી ગયો હતો.
ટાટા ગ્રુપ બે દાયકા બાદ પ્રથમ વખત નાણા એકત્રીત કરવા મૂડી બજારમાં આવ્યુ હતું. એટલે ગત સપ્તાહનાં ટાટા ટેકનોલોજીના આઈપીઓ વખતે જ ઈન્વેસ્ટરોમાં રોકાણને અભૂતપૂર્વ ક્રેઝ સર્જાયો હતો. માત્ર 3042 કરોડ ઉઘરાવવા અભૂતપૂર્વ ક્રેઝ સર્જાયો હતો. માત્ર 3042 કરોડ ઉઘરાવવા આઈપીઓ લાવનાર કંપનીને દોઢ લાખ કરોડથી વધુ મળ્યા હતા.
આઈપીઓ અંદાજીત 70 ગણો ભરાયો હતો. કંપનીએ ગઈકાલે એલોટમેન્ટ જાહેર કર્યા બાદ આજે લીસ્ટીંગ પણ કરી દીધુ હતું. જે ઐતિહાસીક હતું.કંપનીએ રૂા.500 ના ભાવે શેર ઓફર કર્યા હતા તેનું આજે ઐતિહાસીક લીસ્ટીંગ થયુ હતું 500 રૂપિયાના મૂળ ભાવનાં શેરનું 140 ટકા પ્રિમીયમથી 1200 ના ભાવે લીસ્ટીંગ થયુ હતું.
રીટેઈલ ઈન્વેસ્ટરોએ કંપનીનાં આઈપીઓમાં 15000 નું રોકાણ કર્યું હતું. કંપનીએ 30-30 શેર એલોટ કર્યા હતા. જે રોકાણકારોને એલોટમેન્ટ થયુ છે તેઓને 15000 ના રોકાણ સામે 21000 રૂપિયાની કમાણી થઈ છે. લીસ્ટીંગ બાદ ભાવ વધુ ઉંચકાઈને 1400 સુધી પહોંચ્યો હતો તેના આધારે કમાણી વધુ મોટી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા ટેકનોલોજીનાં આઈપીઓને કારણે લાંબા વખત પછી ગ્રે માર્કેટ ધમધમ્યુ હતું.
આજે લીસ્ટીંગ પુર્વે ગઈકાલે 420-422 નું પ્રિમીયમ બોલાતું હતું તેના કરતા પણ ઘણા ઉંચા ભાવે લીસ્ટીંગ થતા ગ્રે માર્કેટમાં સોદા-ખરીદી કરનારા બ્રોકરોને પણ જબરજસ્ત તગડો નફો થયો છે. ટાટા ટેકનોલોજી સિવાય પણ અન્ય બે કંપનીઓનાં લીસ્ટીંગ થયા હતા. આઈપીઓમાં મોટો પ્રતિસાદ મેળવનાર ગાંધાર ઓઈલનું પણ 76 ટકા પ્રિમીયમથી લીસ્ટીંગ થયુ હતું.
કંપની દ્વારા રૂા.169 ના ભાવે શેરો આપવામાં આવ્યા હતા તેની સામે 298 માં લીસ્ટીંગ થતા ઈન્વેસ્ટરોમાં 11300 ની કમાણી થઈ હતી. બે કંપનીઓનાં ધરખમ લીસ્ટીંગ વચ્ચે ફેડબેંક ફાઈનાન્સીયલનું લીસ્ટીંગ ડીસ્કાઉન્ટમાં હતું જોકે તે અપેક્ષીત હોવાથી ઈન્વેસ્ટરોમાં કોઈ ગંભીર પ્રત્યાઘાત ન હતા. રૂા.140 ના ઓફર ભાવ સાથે 138 માં લીસ્ટીંગ થયુ હતું. ગત સપ્તાહમાં ફલેર રાઈટીંગનો આઈપીઓ પણ આવ્યો હતો તેનું લીસ્ટીંગ આવતીકાલે થવાની સંભાવના છે.
ગઈકાલે લીસ્ટ થયેલા ઈરડાનાં શેરમાં આજે પણ 10 ટકાથી વધુનો ઉછાળો હતો આમ ઈન્વેસ્ટરો માટે ચાલૂ સપ્તાહ માલામાલ કરનાર બન્યુ છે. દરમ્યાન સેક્ધડરી માર્કેટમાં નીફટીએ 20,000 નું સ્તર ફરી હાંસલ કરી લીધા બાદ આજે સેન્સેકસે પણ ઈન્ટ્રા-ડે 67000 ની સપાટી હાંસલ કરી લીધી હતી. જોકે ત્યારબાદ માર્કેટ પાછુ પડયુ હતું અને રેડઝોનમાં આવી ગયુ હતું.