રાજ્યના ઉચ્ચ આરોગ્ય અધિકારીની એકાએક અરવલ્લી મુલાકાતથી દોડધામ
જિલ્લામાં બેવડી ઋતુમાં સંભવિત વાયરલ ઈન્ફેકશન સામે તકેદારી રાખવા સૂચન
મોડાસા, ગુજરાત રાજયના આરોગ્ય વિભાગના નાયબ નિયામક એકાએક અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લામાં બે ઋતુની સ્થિતિમાં સંભવિત વાયરલ ઈન્ફેકશન, રોગચાળો અને કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સંભવિત પાણીજન્ય રોગચાળાને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગને તાકીદ કરાઈ હતી અને કલોરીનેશન સહિતની કામગીરી તાકીદે હાથ ધરવા આદેશ કરાયા હતા. આથી અરવલ્ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ યોજી પાંચ પી.એસ.ઓ.ના ઓક્સિજન પ્લાન્ટ એક્ટિવ કરાયા છે.
ગુજરાત રાજય આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો. સતીષ મકવાણા જિલ્લાની મુલાકાતે આવી જિલ્લાના ડીડીઓ સહિતના અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે આરોગ્યલક્ષી મહત્વની બેઠક યોજી હતી જેમાં આરોગ્ય હેઠળ અપાતી વિવિધ સેવાઓની ચર્ચા કરી સમીક્ષા કરી હતી.
આયુષ્યમાન પી.એમ. જે.વાય. કાર્ડ અને આત્મા કાર્ડ સહિતની કામગીરી અંતર્ગત સમિક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ચીનમાં ફેલાયેલી રહસ્યમય બિમારીથી વિશ્વમાં કોરોના જેવી ચિંતા પ્રસરી છે. આ ચીનની રહસ્યમય બીમારીથી સાવચેત રહી આરોગ્યલક્ષી કામગીરી કરવા નિર્દેશ કર્યો હતો.