કિરાણા સ્ટોર અને પાન પાર્લરોમાંથી નકલી સીરપની બોટલો ઝડપાઈ
મહેસાણા- અમરેલી અને મોરબીથી સીરપની બોટલો ઝડપાઈ-ખેડામાં સીરપ કાંડ બાદ પોલીસના રાજ્યવ્યાપી દરોડા
(એજન્સી)ગાંધીનગર, ખેડામાં સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખેડામાં બનેલી ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસ એકશન એક્શનમાં આવી હતી.
એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી નશીલી સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ૨૩૧૩ બોટર સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત ૩,૪૬,૯૫૦ રૂપિયા થાય છે. Mehsana- Syrup bottles seized from Amreli and Morbi
મહેસાણા પોલીસે વિવિધ પાર્લર પર દરોડા પાડી નશીલી સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. તે સિવાય સીરપ મામલે મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી કરી હતી. મોરબીના પીપળી રોડ પર ઓમ કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા. શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ૮૦ બોટલ આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ બોટલની કિંમત અંદાજે ૧૨ હજાર રૂપિયા થાય છે. પોલીસે દુકાનદાર મહેશ દામજી ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત અમરેલીના બાબરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આયુર્વેદીક સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બાબરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દુકાન અને ઘરેથી ૭૫ પેટી સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
એક પેટીમાં ૪૦ બોટલ સાથે કુલ મળી ૩૦૦૦ હજાર સીરપની બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. એક બોટલ ની કિંમત ૧૫૦ રૂપિયા છે જેથી કુલ મળી રૂપિયા ૪ લાખ ૫૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. દુકાનદાર કશ્યપ મૂળશંકરભાઈ તેરૈયાની બાબરા પોલીસે અટકાયત કરી હતી. નડિયાદ તાલુકાના બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામે શંકાસ્પદ આર્યુવેદિક સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે
જે મામલે વડોદરા એસઓજી પોલીસ દ્ધારા ૨૦ થી વધુ મેડિકલ દુકાનોમાં સીરપનું ચેકિંગ હાથ ધરાયું હતું જાકે કોઈપણ શંકાસ્પદ સીરપ મળી આવી નથી. ખેડા જિલ્લામાં બે દિવસમાં છ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી. બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઇ હતી.