Western Times News

Gujarati News

ગામડાઓમાં “મોદીની ગેરંટી” સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું થઈ રહ્યું છે ઉષ્માભેર સ્વાગત

ગુજરાતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”ને મળી રહ્યો છે વ્યાપક જન પ્રતિસાદ-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ૧૪૩ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ તા.૩૦ નવેમ્બર એક જ દિવસે નોંધાઈ ૬૯,૪૩૪ જેટલી જન ભાગીદારી;  ૬૭,૬૬૧ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો

ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ૧૫મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઇકાલ તા. ૩૦-૧૧-૨૦૨૩ના રોજ રાજ્યની ૧૪૩ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે “મોદીની ગેરંટી” સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડી સેચ્યુરેશન લેવલ પર લાવવા પર ભાર મૂક્યો હતો.

લાભાર્થીઓ સાથેનાં સીધા સંવાદ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની તરભ ગ્રામ પંચાયત ખાતે વિશાળ જન સમુદાય વચ્ચે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રભારી સચિવશ્રીઓ, વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રી જુદા-જુદા જિલ્લાઓમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૩૦મી નવેમ્બરના દિવસે ૧૪૪ ગ્રામ પંચાયત સુધી પહોંચી અનેક લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક જ દિવસે ૬૯,૪૩૪ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને ૬૭,૬૬૧ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.

વધુમાં, હેલ્થ કેમ્પમાં ૨૬,૯૧૩ લોકોએ આરોગ્યની ચકાસણી, ૧૩,૭૫૨ લોકોએ TBની ચકાસણી અને ૩,૯૩૨ લોકોએ સિકલસેલની પણ ચકાસણી કરાવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૨૬૬૩ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આટલું જ નહીં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કૃષિ પ્રોગ્રામ હેઠળ ૯૧ ડ્રોન ડેમોનસ્ટ્રેશન અને ૩૬૨ સોઈલ હેલ્થ કાર્ડ ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ વિવિધ પ્રકારનાં ૧૧૩૨ જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા છે.

આ યાત્રા દરમિયાન કેટલાક ગામોમાં વિવિધ યોજના હેઠળ ૧૦૦ ટકા એટલે કે, સેચ્યુરેશન પોઇન્ટ સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી છે. યાત્રા દરમિયાન ૭૦ ગામોમાં આયુષ્યમાન ભારત યોજના, ૧૧૭ ગામોમાં જલ-જીવન મિશન યોજના, ૧૧૬ ગામોમાં લેન્ડ રેકર્ડ ડીજીટાઇઝેશન અને ૧૨૩ ગામોએ O.D.F+ ની સીધ્ધી પ્રાપ્ત કરી છે.

ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલ “મોદીની ગેરંટી” વાળી IEC વાન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોર શોરથી આગળ વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.