માવઠાથી કાચી ઇંટો પલળી જતા થયું ભારે નુકસાન
બોટાદ, બોટાદ જિલ્લામાં ૧૦૦ થી વધુ ઇંટોના ભઠ્ઠા આવેલા છે. શિયાળાની સિઝનમાં ઇંટો પાડવાનું કામ ચાલતુ હોય છે. કાચી ઇંટો તૈયાર કરીને સુકવીને પકવવા માટે મુકવામાં આવે છે. હાલ ઈંટોની માંગ સારી હોય જેથી વેપારીઓ કાચું મટેરીઅલ્સ અગાઉથી ખરીદી કરી સ્થળ પર રાખતા હોય છે. બોટાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદમાં ઇંટોના ભઠ્ઠાની કાચી ઇંટો વરસાદમાં પલળી ગઇ હતી. જેના કારણે અંદાજે ૬ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ગઢડા શહેર અને તાલુકાના ગામડામાં મોટાભાગના ભઠ્ઠા પર કાચી ઇંટો તૈયાર કરીને સુકાવવા માટે મુકી હતી.
ત્યારે થોડા દિવસ પૂર્વે જ વહેલી સવારે ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન,ગાજ વીજ અને કરા સાથે ભારે માવઠું થયું હતું. જેને લઇ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અને ઘણી જગ્યાએ નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. તેમજ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડયો હતો.તેના કારણે ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના કુલ ૧૫ થી વધુ ભઠ્ઠાની કાચી ઇંટો વરસાદમાં ધોવાઇ જતાં અંદાજે ૬ લાખ નુકસાન થયું છે. બોટાદ જિલ્લાના મોટાભાગના ઇંટો ભઠ્ઠા પર હાલમાં કાચી ઇંટો પાડવાનું કામ પુર જાેષમાં ચાલી રહ્યું છે.
સ્થાનિક તેમજ યુપી, બિહારથી મજૂરો લાવીને કાચી ઇંટો બનાવવાની કામગીરી કરવામાં આવે છે.મોટાભાગના ભઠ્ઠા પર ૫૦ હજારથી લઇને દોઢ લાખ જેટલી કાચી ઇંટો હાલમાં તૈયાર કરીને સુકવા માટે મુકી હતી. કાચી ઇંટો પર વરસાદ પડતાં ધોવાઇ ગઇ હતી.ગઢડા તાલુકામાં ૧૫ જેટલા ભઠ્ઠામાં ૨ લાખથી વધુ કાચી ઇંટો ધોવાઇ ગઇ હતી.અંદાજે૬ લાખનું નુકસાન થયું છે.
વેપારી ધીરુભાઈ બેચરભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય દિવસથી કાચી ઇંટો બનાવવાનું કામ ચાલતું હતું. ૫૦ હજાર જેટલી કાચી ઇંટો તૈયાર કરીને સુકવવા માટે મુકી હતી. માવઠાના કારણે ઇંટો પર માટી ધોવાઇને પીગળી ગઇ હતી. જેના કારણે અંદાજે અમારે ૫૦ હજારનું નુકસાન થયું છે. ગઢડાના ધીરુભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગઢડામાં ૭ જેટલા ભઠ્ઠામાં કાચી ઈંટો બનવાનું કામ ચાલતું હતું. અચાનક વરસાદ પડતાં આ બધી જગ્યા પર કાચી ઈંટો પાણીમાં ધોવાઈ ગઈ હતી. અમારે આખા વર્ષની કમાણી આ એક જ અણધાર્યા વરસાદમાં ધોવાઈ ગઈ છે.SS1MS