વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર કરી ગુજરાતના રાજ્યપાલે
પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા રાજ્યપાલશ્રીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી
સુરત રેલવે સ્ટેશને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે ઉષ્માભર્યું સ્વાગત કર્યું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ આજે ભારતની સૌથી ઝડપી, આધુનિક, આરામદાયક અને સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર કરી હતી. પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા સુરત જવા તેમણે વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શ્રીમતી દર્શનાદેવીજી સામાન્ય મુસાફરોની માફક અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મ પર અન્ય મુસાફરોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં તેઓ રેલ્વે કોચમાં પ્રવેશ્યા ત્યારે સહપ્રવાસીઓએ અહોભાવપૂર્વક પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એક યાત્રીએ રાજ્યપાલશ્રી સાથે હસ્તધૂનન કરીને પોતાના આનંદની અભિવ્યક્તિ પણ કરી હતી. ઘણા સહયાત્રીઓએ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરશ્રી સાથે સેલ્ફી લીધી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સાદગીભર્યું જીવન પસંદ કરે છે. તેઓ વિમાનમાર્ગે સફર કરે ત્યારે ઈકોનોમિક ક્લાસમાં જ યાત્રા કરે છે. રાજ્યપાલ શ્રી સુરત રેલવે સ્ટેશનને ઉતર્યા ત્યારે સુરત જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.