પેટલાદ તાલુકાના 56 ગામોના તમામ લાભાર્થીઓને આભા આઇડી કાર્ડ વિતરણ કરાયા

આણંદ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આણંદ જિલ્લામાં નિયત રૂટ મુજબ તમામ તાલુકાઓમાં દરરોજ સવારે અને બપોર બાદ એમ બે ગામો ખાતે પરિભ્રમણ કરી રહ્યો છે અને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને હાથો હાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર જિલ્લાના તમામ ગામો ખાતે આરોગ્ય લક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્યરત છે અને ખાસ કરીને બાકી રહેલ સાચા લાભાર્થીઓને મળવા પાત્ર આયુષ્માન કાર્ડ આપવાની ઝુબેશ હાથ ધરવામાં આવી છે.
આયુષ્માન કાર્ડની જેમ જ દરેક વ્યક્તિઓના આભા આઇ.ડી. કાર્ડ એટલે કે પ્રત્યેક વ્યક્તિની તેના સ્વાસ્થ્ય સંબંધી તમામ માહિતી ઉપલબ્ધ હોય તેવું કાર્ડ (હેલ્થકાર્ડ) કાઢવાની કામગીરી પણ પુરજોશથી શરૂ કરવામાં આવી છે જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવનાર છે.
આ કામગીરી અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પેટલાદ તાલુકાના ૫૬ ગામોમાં રહેતા તમામ ગ્રામજનોના આભા આઈડી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. આ કાર્ડ દ્વારા વ્યક્તિ ગમે ત્યાં પોતાના ગામ કે રાજ્યમાં કે રાજ્ય બહાર ફરતા હોય પરંતુ જો ખિસ્સામાં આભા આઇડી કાર્ડ હોય તો તેમને જો આરોગ્ય લક્ષી કોઈ તકલીફ પડે ત્યારે આ આભા આઈડી કાર્ડના માધ્યમથી જે તે વ્યક્તિની આરોગ્ય લક્ષી તકલીફ તરત જ દેખાઈ આવે છે. જેના કારણે તેમને સ્થળ ઉપર જ સારવાર આપવામાં ડોક્ટરોને કોઈ તકલીફ પડતી નથી.
પેટલાદ તાલુકામાં આવેલ આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધણી, મોરડ, ચાંગા, નાર, પંડોળી, સિહોલ, સીમરડા અને વડદલા હસ્તકના તમામ ૫૬ ગામોના લાભાર્થીઓને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની સેવાઓના લાભ મળશે.
આભા કાર્ડની કામગીરી પૂર્ણ કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગુણવંત ઈસરવાડીયા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર લલિતકુમારના મોનીટરીંગ હેઠળ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રી અને તેમની આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દીપક પરમાર એ જણાવ્યું છે કે જેવી રીતે પેટલાદ તાલુકાના તમામ ગામોમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓના લાભ અંગે આભા આઇડી કાર્ડ પૂરા પાડવામાં આવ્યા છે, તેવી જ રીતે બાકી રહેલ તાલુકાઓના ગામોમાં પણ આભા આઇડી કાર્ડ કાઢવાની કામગીરી હાલ ચાલુમાં છે. જે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આભા આઈડી કાર્ડ દરેક વ્યક્તિના કાઢવામાં આવશે જેના લીધે સ્વાસ્થ્ય સંબંધી માહિતી આ કાર્ડના માધ્યમથી તરત જ મળી રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.