Western Times News

Gujarati News

અતિ લોભ તે પાપનું મૂળ: લોભને કદી થોભ હોતો નથી

પ્રતિકાત્મક

માનવી જ્યારે લોભ કરે છે ત્યારે તે લાભ મેળવવાને બદલે ગેરલાભમાં જ જાય છે. લોભને કદી થોભ હોતો નથી. લોભ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે. કેટલાક માનવીઓ ખરીદી કરવા જાય ત્યારે સસ્તામાં માગવા જતા તે માલની ગુણવત્તામાં માર ખાઈ જાય છે અથવા વજનમાં ઓછું મેળવે છે. વધુ લોભ કરવા જતા કોઈક વખત હાથમાં આવેલી વસ્તુ ખોઈ બેસે છે.

એક શિયાળ કૂવા આગળ ફરતું ફરતું આવ્યું ત્યાંતેને એક રોટલો કુવાની પાળી પર પડેલો જોયો અને તરત જ તે રોટલો મોંમાં મૂકી દીધો અને તે કૂવાની પાળી પર ચડી ખાતો હતો, ત્યાં તેની નજર કૂવામાં રહેલા પાણી પર પડી જ્યાં તેને પોતાનું પ્રતિબિંબ નિહાળી ભ્રમણામાં તેને પોતાનો પ્રતિસ્પર્ધી ગણી તેના મુખમાં દેખાતો રોટલો પડાવી લેવાની આશામાં તેણે પાણીમાં ઝંપલાવ્યું અને તેને પોતાનો રોટલો તો ગુમાવ્યો ને સાથે સાથે પોતાનો જાન પણ ગુમાવ્યો.

અતિ લોભ કરવા જતા માનવી અનિતીનો પથ પકડવા અચકાતો નથી જેથી પોતે કર્મ બાંધે છે અને કહેવાય છે કે ‘અતિ લોભ તે પાપનું મૂળ છે.’

ઘણી વખત માનવી કોઈકમાં ફાયદો મેળવતા બીજી વખત, પછી ત્રીજી વખત એમ લોભ કરતા કરતા ફસાઈ જાય છે અને તે પોતે નુકસાનીની ખાઇમાં સરી પડે છે.

જુગારી જુગાર રમતા રમતા કોઈક એકાદ વખત જીતી જતાં વારંવાર દાવ અજમાવતા મેળવેલી રકમ તો ગુમાવે છે પરંતુ સાથે સાથે પોતાની પાસે જે છે તે પણ ગુમાવતા અફસોસ સાથે નિઃસાસા નાખતા મનમાં વિચારે છે કે, ‘હું ક્યાં લોભમાં પડ્‌યો’

કોઈક સ્વાદિષ્ટ વાનગી જમણવારમાં વધારે પડતી આરોગવા જતા તેની તબિયત કથળે છે. ‘આવી વાનગી ભવિષ્યમાં મળે કે ન મળે, જેથી લાવ ખાઇ લઉ’ અને પછી પરિણામમાં તેની તબિયત નરમ થઈ જાય છે. લોભરૂપી શત્રુની સોબતથી કોઈક વખત માનવીનું મોત પણ નીવડી શકે. સમજુ માનવી તો લોભવૃતિથી દૂર રહેવામાં જ શાણપણ માને છે.

જ્યારે માનવી લોભમાં પડે છે ત્યારે તેનું અનિષ્ટ જ થાય છે. નસીબમાં કોઈક વખત ફાયદો મળી પણ જાય પરંતુ આવી તક વારંવાર નથી આવતી અને તે માનવી વધારે ને વધારે અંદર ઉતરતા જુગારમાં કે પત્તામાં અથવા શેરબજારમાં સટ્ટો કરતા તે બધું ગુમાવે છે.

અનિષ્ટોનું મૂળ લોભ છે. લાભ લેવા જતા તે લોભને થોભ હોતો નથી. લોભ એ ચાર કષાયોમાનો એક છે. સર્વ પાપનું મૂળ લોભ જ છે અને લોભ સંતોષનો પરમ શત્રુ ગણાય છે. પ્રાપ્ત સ્થિતિમાં જ આનંદ માણી જીવન નિર્વાહ કરવો ને સંતોષ માનવો એ જ સર્વ શ્રેષ્ઠ છે. અમીરનો મહેલ જોઈ ગરીબે પોતાનું ઝૂંપડું કદી બાળી નાખવું ન જોઈએ. ‘જે છે તેનાથી સંતોષ માનવો તેમાં જ સુખ રહેલું છે.’

ઘણી જગ્યાએ જોવા મળે છે કે લોભીયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે. આજકાલ ઘણા લોકો વિવિધ ને આકર્ષિત યોજનાઓ લોકો સમક્ષ મૂકી લોકોને લલચાવીને ધુતારાઓ તેમનાં કાર્યમાં ફાવી જાય છે અને છેવટે લોભીયાઓ રડતાં રહે છે.

લોભ એક એવી તળિયા વિનાની ખાઈ છે કે જેમાં તૃપ્તિનિ શોધમાં માનવી અનંત અધોગતિ પામતા નષ્ટ થઈ જાય છે તે છતાં સંતોષ રૂપી શિખર પર પંહોચી શકતો નથી.
લોભ કરવા જ્યારે માનવી લપસી જાય છે અને પછી નુકસાન વેઠ્‌યા બાદ પોતાને શાણપણ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. કોઈ પણ ચીજનો મોહ કે રાગ માનવીને લોભ કરવા પ્રેરે છે પરંતુ માનવીએ પોતે પોતાના મન પર કાબૂ મેળવવો જોઈએ. લોભ જાગતા તથા પોતાની ઈચ્છાની મર્યાદા ઓળંગી જતાં અને તેનો અતિરેક થતા તે મેળવવા ગમે તે હદે જતા તે પાપનો ભાગીદાર બને છે.

જ્યારે માનવી લોભ કરે છે ત્યારે તે સર્વસ્વ ગુમાવે છે, ત્યારે કહેવાય છે કે ‘લોભે લક્ષણ જાય.’ ‘રોગનું મૂળ છે સ્વાદ ! દુઃખનું મૂળ છે સ્નેહ !’ ‘અને પાપનું મૂળ છે લોભ… લોભ .. ને લોભ જ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.