Western Times News

Gujarati News

અમદાવાદના રાણીપમાં બનશે સરકારી બોક્સ ક્રિકેટ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)નાગરિકોને વધુ એક ભેટ આપશે. શહેરમાં સૌ પ્રથમ સરકારી ક્રિકેટ બોક્સનુ નિર્માણ કરાવવામાં આવશે. શહેરના રાણીપ વિસ્તારમાં સૌ પ્રથમ સરકારી બોક્સ ક્રિકેટ બનાવવામાં આવશે. આ સાથે ૨ કરોડ ૮૧ લાખ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સનું પણ નિર્માણ કરાશે. જેમાં વોલીબોલ, બેડમિન્ટન, કેરમ, ચેસ અને યોગા મેડિટેશન સેન્ટરનો સમાવેશ થાય છે. આ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સનો રાણીપ, નવા વાડજ, ર્નિણયનગર, વાડજ, ચાંદલોડિયા, અખબારનગરનાં નાગરિકો લાભ લઈ શકશે.

૨.૮૧ કરોડના ખર્ચે સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સ બનાવવામાં આવશે. તે સિવાય શહેરમાં બગીચામાં અસુવિધા અંગે હવે કોર્પોરેશનને સીધી ફરિયાદ કરી શકાશે. અમદાવાદમાં ૨૯૦થી વધારે બગીચાઓ આવેલા છે. હવે આ બગીચાઓમાં QR કોડ લગાવાશે. જેમાં સ્કેન કરીને રમત ગમતના સાધનો તૂટેલા હોય, લાઇટ બંધ હોય, સફાઈ થતી ન હોય, સિક્યુરિટી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોય તો પ્રશાસનને ફરિયાદ કરી શકાશે. હાલમાં મણીનગર વિસ્તારના બે જેટલા ગાર્ડનમાં ઊઇ કોડ લગાવાયા છે અને આગામી દિવસોમાં તમામ ગાર્ડનમાં કોડ લગાવી દેવામાં આવશે.

અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧ જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે. આગામી મહિને યોજાનાર ફલાવર શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત ૩૩ સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે.

GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. ૫.૪૫ કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે. ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ફ્લાવર શોમાં ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે ૧૨ વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી ૫૦ રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે ૭૫ રૂપિયા ફી ચુકવવી પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે ફ્લાવર શોને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈ વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ૧૨ જાન્યુઆરીના પૂર્ણ થનાર ફ્લાવર શો ૧૫ જાન્યુઆરીના પૂર્ણ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.