માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી
(એજન્સી)અમદાવાદ, પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે.
આગામી ૮થી ૧૨ ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા ૪૨ વર્ષ નક્કી કરવામાં આવી છે. ૧૧ મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓન લાઈન અરજી કરી શકશે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)ની ભરતી કરવામાં આવશે. ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર આપેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ રીતે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તે દરમિયાન ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ ચકાસણી માટે ઓરિજનલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઇન અરજી આઠ ડિસેમ્બર ૨૦૨૩થી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ છે.
સુરતમાં પડતર પ્રશ્નો મામલે ૨ હજાર શિક્ષકો ૯મીએ પદયાત્રા કરશે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. બાદમાં પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી જશે. આગામી નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી શિક્ષકો વિરોધ નોંધાવશે. પંચમહાલમાં ૧૫ હજાર શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે. ગોધરામાં ૯ ડિસેમ્બરે જૂની પેન્શન મુદ્દે મહાપંચાયત યોજવામાં આવશે.