સુરતના બિલ્ડરો પર ઈન્કમટેક્સના દરોડાને પગલે ફફડાટ
અમદાવાદ, વડોદરા અને રાજકોટથી આવેલા અંદાજે 40થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંજય સુરાના અને યાર્નના વેપારીના ઘરે અને ઓફિસ મળી 12 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રિંગરોડ પર યાર્નના મોટા વેપારીને ત્યાં પણ સર્ચ ઓપરેશન
સુરત, સુરત શહેરમાં વધુ એક વખત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગ્રુપ પર આજે વહેલી સવારથી ઈન્કમ ટેક્સ વિભાગના ડીડીઆઈ (Income tax DDI Wing) વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બિલ્ડરો અને ડેવલપર્સમાં ફફડાટ પ્રસરી ગયો છે. મળસ્કે ઈન્કમ ટેક્સ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા ભાગીદારોના નિવાસ સ્થાને અને ઓફિસે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટના અધિકારીઓ જોડાયા હતા.
ઈન્કમ ટેક્સ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના અને તેમની સાથે સંકળાયેલા ભાગીદારો વિરૂદ્ધ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરાના ગ્રુપ સિવાય રિંગરોડ પર યાર્નનો વેપાર કરતાં અને હાલમાં જ જમીનના ધંધા સાથે સંકળાયેલા ગ્રુપ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધવામાં આવી છે.
સંજય સુરાના (Sanjay Surana) સહિત ચાર બિલ્ડરો – ડેવલપર્સના ઘર સહિત ઓફિસ મળીને કુલ્લે એક ડઝન કરતાં વધારે સ્થળે આજે સવારથી જ ઈન્કમ ટેક્સ વિભાગના ડીડીઆઈ વિંગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો બાદ માંડ માંડ શરૂ થયેલા વેપાર – ધંધા વચ્ચે આજે સવારે ઈન્કમ ટેક્સના દરોડાના સમાચાર શહેરભરમાં આગની જેમ પ્રસરી જવા પામ્યા હતા. જેને પગલે શહેરનાં અન્ય બિલ્ડરો અને ડેવલપર્સ ગ્રુપમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
અમદાવાદ અને વડોદરા સહિત રાજકોટથી આવેલા ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને હિસાબો મળી આવે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
40થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
આજે વહેલી સવારે શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સંજય સુરાના અને યાર્નના મોટા વેપારીને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
અમદાવાદ, વડોદરા અને રાજકોટથી આવેલા અંદાજે 40થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંજય સુરાના અને યાર્નના વેપારીના ઘરે અને ઓફિસ મળી 12 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બંને ગ્રુપના કર્મચારીઓ રાબેતા મુજબ ઓફિસ પહોંચ્યા ત્યારે તેમને દરોડા અંગેની જાણ થઈ હતી. જ્યારે બીજી તરફ આ બંને જુથ સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં પણ સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દલાલો પણ વરૂણીમાં આવી શકે છે
સુરતમાં આઈકોનિક પ્રોજેક્ટ માટે જાણીતા સંજય સુરાના ગ્રુપ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતું નામ છે. શહેરના પોશ વિસ્તારોમાં પ્રોજેક્ટો ધરાવતાં સંજય સુરાના ગ્રુપના ત્યાં ઈન્કમ ટેક્સના દરોડાને પગલે તેમની સાથે સંકળાયેલા અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે. જો કે, હાલના તબક્કે આ ગ્રુપ સાથે સંકળાયેલા અને કરોડોના વ્યવહાર કરનારા દલાલો પણ ઈન્કમ ટેક્સની વરૂણીમાં આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા હોવાની ચર્ચા
સંજય સુરાના અને યાર્નના વેપાર સાથે સંકળાયેલા અગ્રણી ઉદ્યોગપતિના ઘરે અને ઓફિસે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ્સ અને હાર્ડ ડ્રાઈવ – પેન ડ્રાઈવ મળી આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈન્કમ ટેક્સના દરોડાને પગલે બંને ગ્રુપ સાથે સંકળાયેલા માલિકો અને ભાગીદારો પણ રીતસરના ઉંઘતા ઝડપાયા હતા. બીજી તરફ ઈન્કમ ટેક્સના સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો અને સંપત્તિ મળી આવે તેવી આશંકા પ્રારંભિક તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે.