નકલી ડિગ્રી પર 10 વર્ષથી નોકરી કરતાં 11 હેલ્થ વર્કરને છૂટા કરાશે
મહેસાણા, ર૦૧૧-૧રના વર્ષ દરમિયાન બહારના રાજયોની નકલી ડિગ્રી ઉપર મહેસાણા જિલ્લાના આરોગ્ય તંત્રમાં ૧૧ ઉમેદવારે નોકરી મેળવી હતી. હાલ ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં તમામ ૧૧ કર્મચારીઓને આગામી દિવસોમાં નોકરીમાંથી છુટા કરાશે.
ગાંધીનગર વિકાસ કમિશનરે કરેલી તપાસમાં ૧૧ જણની ડિગ્રી નકલી હોવાનું સાબિત થતાં તમામને જિલ્લા વિકાસ અધિકારીએ છેલ્લી શોકોઝ નોટિસ ફટકારી છે. અત્રેઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ કાગળ પર કુટુંબ નિયોજન કરાયાનો કેસ સામે આવ્યો હતો.
હિમાચલ પ્રદેશ, અરુણાચલપ્રદેશ, તામિલનાડુ અને મણીપુર સહિતના બહારના રાજયની વિવિધ અમાન્ય યુનિવર્સિટીની નકલી ડિગ્રી આધારે ર૦૧૧-૧રના વર્ષ દરમિયાન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ તરીકે ભરતી પામ્યા હતા. બાદમાં રાજયના વિકાસ કમિશનર અને તેમની ટીમ દ્વારા ૮ માસ પૂર્વે તપાસમાં તેની પર્દાફાશ થયો હતો.