હાઈવે પર ચાલુ ટ્રકમાંથી દોરડાં કાપીને મહિને અંદાજીત 50 લાખના માલની ચોરી થાય છે
ટેક્સટાઈલ ગુડ્સની ચોરીની મહિને ૧પ જેટલી ઘટના -સાડી અને ડ્રેસ મટીરિયલના માલને સૌથી વધુ નિશાન બનાવાય છે ચોરીમાં પોલીસ હદની માથાકૂટમાં ફરિયાદ ટલ્લે ચઢી જાય છે
સુરત, દેશનાં ખૂણે ખૂણે ટ્રકો મારફત સુરતથી મોટી સંખ્યામાં ટેકસટાઈલ ગુડસ રવાના થાય છે. રસ્તામા ક્યારેક ચાલુ ટ્રકોમાંથી દોરડા કાપીને માલ ચોરી લેવાની ઘટના બનતી રહે છે. દર મહિને ૧ર થી ૧પ આવી ઘટનાઓ બને છે એને કારણે રૂ.પ૦ લાખનો માલ ચોરાઈ જાય છે.
ચાલુ ટ્રકોમાંથી માલની ચોરી કે લૂંટની ઘટનાઓ નવી નથી, કયારેક તો આખીને આખી ટ્રકો ચોરાઈ જતી હોય છે જોકે એવી ઘટનાઓ હવે જૂજ બને છે પરંતુ આજની તારીખે પણ સુરતથી ટેકસટાઈલ ગુડસ લઈને રવાના થતી ટ્રકોમાંથી હાઈવે પર સક્રિય એવી ગેંગ દોરડાં કાપીને પાર્સલમાંથી માલ કાઢી લે છે.
ટેક્સટાઈલ ગુડસ લઈને રવાના થતી ટ્રકો ગુજરાત બોર્ડરમાંથી બહાર નીકળ્યા પછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ પ્રવેશે, ત્યારે અમુક સુમસામ વિસ્તારોમાં આવી ઘટનાઓ બને છે, એમ ટ્રાન્સપોર્ટ વ્યવસાયી નિરજ સિંઘે જણાવ્યું હતું. ટ્રકમાંથી એક બે પાર્સલ ઉઠાવી જવામાં આવે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર ફરિયાદ લખાવવાનો પ્રયત્ન કરે ત્યારે હદનું બહાનું આગળ કરીને દાદ આપતી નથી.
હાઈવે ઉપર ચાલુ ટ્રકમાંથી માલની ચોરી કરતી આ ટોળકી ટેકસટાઈલ ગુડસમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટીરીયલને વધુ નિશાન બનાવે છે. ટ્રકમાં તમામ પ્રકારનો માલ પડ્યો હોય છે, પરંતુ સાડી અને ડ્રેસ મટીરીયલનો જલ્દીથી નિકાલ થઈ શકતો હોવાથી, રોપા કટીંગ કરી ચાલુ ટ્રકમાંથી પાર્સલો નીચે પાડી દેવાય છે. ટ્રકમાં ચડવા માટે આર્ટીફિસીયલ બમ્પ કે અંતરાયો ઉભા કરવામાં આવે છે.
ટ્રકમાં રવાના કરવામાં આવતા ટેકસટાઈલ ગુડસ પૈકી રપ ટકા જેટલો જ માલ ઈન્સ્યોર્ડ હોય છે. વેપારીઓ પાર્સલનો વીમો લેવા માટે જાગૃતિ બતાવતા નથી. વેપારીવર્ગ પાર્સલોનો વીમો ઉતરાવે તે બાબતે વેપારીઓની સંસ્થા સાથે મીટીંગ યોજીને હિમાયત પણ કરવામાં આવે છે પરંતુ વેપારીઓ હજુ એ બાબતે તૈયારી બતાવતા નથી.
પાર્સલનો વીમો લીધો હોય તેવા કિસ્સામાં જ વીમા કંપનીઓ કલેઈમ યોગ્ય ડોકયુમેન્ટના આધારે ચુકવે છે.
વીમા વગરના પાર્સલોના કિસ્સામાં વેપારીઓને ૭૦ ટકા કલેઈમ આપવામાં આવે છે. પાર્સલોના વિમાનો દર ખૂબ જ નજીવો છે. રૂ.૧૦૦નો માલ હોય તો ૧૦ પૈસા વીમાના થાય છે. માર્કેટમાંથી રપ-૩૦ ટકા વેપારીઓ પોતાના માલનો વીમો કરાવીને માલ રવાના કરે છે.