રાષ્ટ્રપતિનું ‘નિશાન’ પ્રદાન સમારોહ કરાઈ ખાતે યોજાયો
કરાઈ, ગાંધીનગર પોલીસ દળની શ્રેષ્ઠતાનું પ્રતિક ‘રાષ્ટ્રપતિશ્રીનું નિશાન’ ગુજરાત પોલીસને અર્પણ કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ
દેશ – રાજ્યના સામાજિક- આર્થિક વિકાસમાં પોલીસની ભૂમિકા ખૂબ જ મહત્વની ગુજરાતે પોલીસ ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપીને મહિલા સશક્તિકરણમાં દેશને નવો રાહ ચિંધ્યો-મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી:-
દેશની પોલીસ માટે રાષ્ટ્રપતિશ્રીનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતીક છે. આ સન્માન આજે ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અર્પણ કર્યું હતું . આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ , ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી શિવાનંદ ઝા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિશ્રીએ આ વેળાએ ગુજરાત પોલીસના નવા લોગોનું પણ અનાવરણ કર્યુ હતું. પોલીસ દળ માટેનું શ્રેષ્ઠ પ્રતિક સમાન આ નિશાન દેશના ૨૮ રાજ્યો પૈકી ગુજરાતને સાતમાં રાજ્ય તરીકે પ્રાપ્ત થયું છે. અગાઉ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસ દળને આ નિશાન મળી ચૂક્યા છે. આ ગૌરવ હવે ગુજરાત પોલીસે પણ મેળવ્યું છે.
ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ:- રાષ્ટ્રપતિનું “નિશાન” અર્પણ પ્રસંગે ગુજરાત પોલીસને અભિનંદન આપતાં ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વૈંકેયા નાયડુએ જણાવ્યું હતું, કે આજનો દિવસ સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવ સમાન છે. આ ક્ષણ માટે વર્ષ- ૧૯૬૦થી ગુજરાત પોલીસમાં સેવા આપનાર પૂર્વ અને વર્તમાન તમામ પોલીસ જવાનો- અધિકારીઓ અભિનંદનને હકદાર છે. રાજ્યમાં વિવિધ ગુનાઓ અને આતંકવાદી હુમલા જેવા પડકારોનો ખૂબ જ દઢતાથી સામનો કરીને ગુજરાત પોલીસ પોલીસ આ ગૌરવશાળી મુકામ પર પહોંચી છે.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, ગુજરાત પોલીસ સુરક્ષા સેતુ, સાયબર સુરક્ષા, પોલીસ પોટૅલ , ગુજકોપ, પિનાક સોફ્ટવેર જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને નવા આયામો થકી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે છે. ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સૌથી લાંબો દરિયા કિનારોની સુરક્ષા પણ ગુજરાત પોલીસ ખુબજ ચોકસાઈપૂર્વક રાખી રહી છે.ગુજરાતે દરિયાઈ સુરક્ષા માટે નવીન મરીન પોલીસ કમાન્ડો ફોસૅની પણ રચના કરી છે. ગુજરાત પોલીસના જવાનોએ ભૂતકાળમાં ઇન્ડો-પાક વોર, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલો અને અમદાવાદ ખાતે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે ખૂબ જ ગંભીરતાપૂર્વક સામનો કરીને પોતાનું સાહસ બતાવ્યું છે આપણા સર્વે માટે ગૌરવ સમાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમને જણાવ્યું હતું કે, દેશ- રાજ્યના સામાજિક અને આર્થિક ગ્રોથ માટે શાંતિ જરૂરી છે જેમાં રાજ્યની પોલીસની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. બાળકો અને મહિલાઓ ઉપર થતા અત્યાચારો સામે પોલીસે વધુ ઝડપી કાર્યવાહી કરીને તેમણે સજા સુધી પહોંચાડવા પડશે તો જ આપણે પીડિતોને ન્યાય આપી શકીશું. સામાન્ય જનતાના મનમાં પોલીસ પ્રત્યે વધુને વધુ સન્માનનો ભાવે તે માટે આપણે હંમેશા તત્પર રહેવું પડશે. ભારતને આપણે માતૃભૂમિ કહીને સંબોધી એ છીએ એટલે કે માતાનો દરજ્જો આપણે આપીએ છે . આ સન્માન આપણે સૌએ સાથે મળીને જાળવી રાખવાનું છે.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતે પોલીસ ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપીને મહિલાઓના ઉત્કર્ષમાં દેશને નવો રાહ ચિંધ્યો છે. પોલીસ સ્ટેશન વુમન ફ્રેન્ડલી હોવું જોઈએ. મહિલા અત્યાચારના સામેના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવી જરૂરી છે તો જ આ પ્રકારના ગુના અટકશે અને દોષિતોને ઝડપી સજા આપણે કરી શકીશું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારત માટે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર આપ્યો છે તેણે આપણે સૌએ સાથે મળીને સાકાર કરવો પડશે તેમ, જણાવી ઉપરાષ્ટ્રપતિશ્રીએ પોલીસને મળેલા નવા ‘નિશાન’ બદલ ગુજરાત પોલીસને પુ:ન એકવાર અભિનંદન પાઠવ્યા.
મુખ્યમંત્રીશ્રી એ આ સન્માનથી ગુજરાત પોલીસ નું મનોબળ વધુ દૃઢ બનશે અને સમાજ સલામતી ના દાયિત્વ ને પોલીસ સજજતા દક્ષતા થી અદા કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે ગુજરાત ને અપરાધ મુક્ત બનાવવા ના ધ્યેય માં આ નિશાન સન્માન પૂરક બનશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નિશાન પ્રદાન સમારોહને એક ઐતિહાસિક અવસર ગણાવી જણાવ્યું કે, અપરાધ મુક્ત ગુજરાતનાં નિર્માણ માટે ગુજરાતે જે સંકલ્પ કર્યો છે તેમાં આ સન્માન રાજ્યના પોલીસનું મનોબળ વધુ મજબૂત કરવા ચોક્કસ આશીર્વાદરૂપ બનશે.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત પોલીસની શાંતિ અને કાર્યક્ષમતાને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરીને જે ગૌરવ આપ્યું છે એ સૌ ગુજરાતીઓનું સન્માન છે. પોલીસ સન્માનમાં વધારો કરવા માટે ગુજરાત પોલીસ તેનું ગૌરવ અનુભવે છે. સાથે સાથે ગુજરાત પોલીસની જવાબદારી પણ રાજ્યની શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્દઢ બનાવવામાં વધવાની છે તે માટે પણ સૌ પોલીસ કર્મીઓને વધુ કાર્યક્ષમ બનવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાષ્ટ્રપતિશ્રી દ્વારા અપાયેલા આ સર્વોચ્ચ સન્માન એ ગુજરાત પોલીસની ૫૯ વર્ષની સફળયાત્રાનું પરિણામ છે. ગુજરાત પોલીસે ગુના નિયંત્રણ, આતંકવાદ સામે, સાયબર ક્રાઇમ ક્ષેત્રે, અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ બનીને સાધન સામગ્રીના ઉપયોગ થકી પોલીસ જવાનોને નૈતિક બળ પૂરું પાડ્યું છે જેના પરિણામે આ સિદ્ધિ મળી છે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ વિશિષ્ટ સન્માન સુધીની યાત્રામાં અનેક પોલીસ કર્મીઓએ માતૃભૂમિ કાજે શહાદત વહોરી છે તે સૌનું સન્માન છે. સન્માન સાથે ગુજરાત પોલીસે અનેક પડકારો સામે જજુમીને પણ શાંતિ – સલામતી પૂરી પાડી છે.જે માટે પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે રાજ્યના ૧૬૦૦ કિલોમીટર જેટલા દરિયાકિનારા પરથી માદક દ્રવ્યો, હથિયારો ઘુસાડવા સહિત આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવામાં પણ મરીન પોલીસ દ્વારા તથા ગુજરાત પોલીસે વિશિષ્ટ કામગીરી કરી છે જેના પરિણામે આજે રાજ્યમાં સુલેહ શાંતિ જોવા મળી રહી છે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આવનારા સમયમાં પણ પડકારોમાં ગુજરાત પોલીસ વધુ સજ્જ બનીને ટેકનોલોજીથી સજ્જ થાય અને સાઇબર ક્રાઇમ ડિરેક્શનમાં પણ ઝડપથી ઉકેલ આવે તે રીતનું વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકાર ચોક્કસ પ્રયાસો કરશે એમ પણ તેમણે ઉમેર્યું હતું . આ સન્માનથી ગુજરાત ભારતનું સુરક્ષા ક્ષેત્રે શ્રેષ્ઠ રાજ્ય બનશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે સંપૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રપતિનું ‘નિશાન’ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસના નવા આકર્ષક લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વધર્મ સમભાવના હેતુથી હિંદુ, મુસ્લિમ ,શીખ અને ઇસાઈના ધર્મગુરુઓ દ્વારા ડ્રમર પાઈપ ઉપર પ્રસ્થાપિત કલર ધ્વજ સમક્ષ મંત્ર પઠન કરીને પવિત્ર કરવામાં આવ્યો હતું.
ઉપરાષ્ટ્રપતિશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ પોલીસ જીપમાં જાહેર જનતા અને પ્લાટુનના જવાનોનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ કમાન્ડર IPS શ્રી પ્રેમ સુખડેલું અને એજયુટન્ટ શ્રી વિજય પટેલના નેતૃત્વમાં પોલીસ બેન્ડથી સજ્જ રાજ્ય અનામત દળની આઠ પ્લાટૂન દ્વારા સંપૂર્ણ અનુશાસનબદ્ધ નવીન ‘નિશાન’ સાથે પરેડ યોજવામાં આવી હતી. જેને ઉપરાષ્ટ્રપતિશ્રી નાયડુ દ્વારા સલામી આપવામાં આવી હતી . જેમાં મહિલા શક્તિ દર્શાવતી બે મહિલા પ્લાટૂને પણ ભાગ લીધો હતો.
નિશાન પ્રદાન સમારોહમાં સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ , રાજ્યના મુખ્યસચિવશ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સંગીતા સિંહ, વરિષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ , તાલીમી આઇપીએસ, ડીવાયએસપી, મહાનુભાવો તેમજ એનસીસી કૅડેટ ,પોલીસ અધિકારીશ્રીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (દિલીપ ગજ્જર/જનક દેસાઈ/ ધવલ શાહ દ્વારા)