અમદાવાદ મ્યુનિ. કોર્પો. 16 સ્થળે વેજીટેબલ માર્કેટ તૈયાર કરશે
કાલુપુર માર્કેટ માટે ર૦૧૯માં ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતુંઃ જમાલપુરમાં બે દાયકા અગાઉ બનાવવામાં આવેલ ૩૦૦ થડા હાલ ધુળ ખાઈ રહયા છે
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં રોડ પર થતાં દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે આ ઉપરાંત નામદાર હાઈકોર્ટના આદેશનું પાલન કરતા મ્યુનિ. તંત્ર દ્વારા આવા નાના મોટા દબાણો દુર કરવામાં આવી રહયા છે.
તેમ છતાં તેનો કોઈ કાયમી નિકાલ આવતો નથી તેથી લગભગ છ વર્ષ બાદ મ્યુનિ. કોર્પો.એ સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં ૧૬ સ્થળે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવશે. આ તમામ માર્કેટ ત્રણથી છ મહિનાથી અંદર કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજીના ફેરિયાઓ માટે ૭ ઝોનમાં ૧૬ વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી રહયા છે જે પૈકી લગભગ ૮ માર્કેટના ટેન્ડર મંજુરી પ્રક્રિયામાં છે જયારે ચાર માર્કેટ માટે ટેન્ડર ઈન્વાઈટ કર્યાં છે. અને ૧ માર્કેટ માટે ટેન્ડર ઈ વેલ્યુએશનની પ્રક્રિયામાં છે.
૧૬ માર્કેટ પૈકી કાલુપુર ચોખા બજારના શાકમાર્કેટને અદ્યતન કરવા માટે ર૦૧૯માં રૂ.પ૦.૩ર કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ અહીં કોર્ટ મેટર ચાલતી હોઈ એસ્ટેટ વિભાગનો અભિપ્રાય બાકી છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડીયામાં ૧ અને ગોતામાં ર માર્કેટ બનાવવામાં આવશે. જયારે પશ્ચિમ ઝોનના ચાંદખેડા અને સાબરમતીમાં એક-એક વેજીટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવશે.
મધ્યઝોનમાં શાહીબાગ અને અસારવામાં માર્કેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે પૈકી કાલુપુર શાકમાર્કેટનું ટેન્ડર મંજુર થઈ ગયું છે જયારે અસારવા વોર્ડમાં તૈયાર થનાર માર્કેટનો અંદાજ મંજુરીમાં છે. દક્ષિણ ઝોનના વટવા ગામની બાજુમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવશે જેના માટે લગભગ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચો થશે. અહીં માર્કેટ બનાવવા માટે ત્રણ કોન્ટ્રાકટરોએ રસ દાખવ્યો છે. વેજીટેબલ માર્કેટ બનાવવા માટે સૌથી વધુ ખર્ચ કાલુપુર શાકમાર્કેટ માટે થશે.
ત્યારબાદ વેજલપુરમાં ચાણકય હોલની પાછળ તૈયાર થનાર માર્કેટ માટે રૂ.પ.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ૧૬ સ્થળોએ વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવે છે તે પૈકી ૧પ માર્કેટ માટે રૂ.૮૭.૧૬ કરોડનો ખર્ચો થાય તેવો અંદાજ છે. તંત્ર દ્વારા ખાલી પ્લોટમાં અથવા હયાત હોય તેવા સ્થળે જ શાકમાર્કેટ તૈયાર કરવામાં આવશે તેથી મુખ્ય માર્ગ ખુલ્લા રહે અને ટ્રાફિકનું સરળતા પૂર્વક આવન-જાવન થઈ શકે.
અગાઉ ુભુતકાળમાં તંત્ર દ્વારા જમાલપુર ફુલબજાર પાસે લગભગ ૩૦૦ જેટલા થડા તૈયાર કરવામાં આવ્યા હતાં પરંતુ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે આ થડાઓની ફાળવણી થઈ શકી ન હતી તેવી જ રીતે ગોમતીપુરમાં પણ શાકમાર્કેટ માટે થડા તૈયાર કરવામાં આવ્યા છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા કાલુપુર સિવાય અન્ય ૧પ માર્કેટ માટે ફાઈનલ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે તથા ટેન્ડર પ્રક્રિયા પણ જોરશોરથી ચાલી રહી હોવાથી આ માર્કેટ વધુમાં વધુ છ મહિનાથી અંદર કાર્યરત થઈ જશે તેમ માનવામાં આવે છે.