Western Times News

Gujarati News

નાગરિક બિલ સામે બંગાળમાં વ્યાપક હિંસા

ગુવાહાટી: નાગરિક સુધારા બિલને લઇને હિંસક તોફાનો અને દેખાવોનો દોર જારી રહ્યો છે. આજે પણ દેશના જુદા જુદા રાજ્યોમાં હિંસાઓનો દોર જારી રહ્યો હતો. આસામના પાટનગર ગુવાહાટીમાં પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા બે લોકોના સારવાર દરમિયાન આજે મોત થયા હતા. આની સાથે જ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હવે વધીને ૪ પર પહોંચી ગઈ છે. નાગરિકતા કાનૂન સામેના વિરોધમાં હિંસક દેખાવો દરમિયાન સ્થિતિને  કાબૂમાં લેવા સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો જેમાં બે લોકો ઘાયલ થયા હતા. આ બંને લોકોના આજે સવાર દરમિયાન મોત થયા હતા.


આની સાથે જ મોતનો આંકડો ચાર ઉપર પહોંચ્યો છે. ગુવાહાટી મેડિકલ કોલેજના અધિકારીઓના કહેવા મુજબ શનિવારે મોડી રાત્રે એકનું મોત થયું હતું જ્યારે અન્ય એકનું મોત આજે વહેલી પરોઢે થયું હતું. બીજી બાજુ હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. આજે સતત ત્રીજા દિવસે બંગાળમાં હિંસા થઇ હતી. પાંચ જિલ્લાઓમાં હવે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ઉત્તર ચોવીસપરગના અને નદિયા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દેખાવકારોએ હિંસા સર્જી હતી. આગની ઘટનાઓ બની હતી. માલ્દા, મુર્શીદાબાદ, હાવડા, ઉત્તર ચોવીસપરગના અને દક્ષિણ ચોવીસપરગનાના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ છતાં તેની કોઇ અસર દેખાઈ રહી નથી. નદિયામાં દેખાવકારોએ કલ્યાણ એક્સપ્રેસ હાઈવે પર ચક્કાજામની સ્થિતિ  સર્જી હતી. આસામના પાટનગર ગુવાહાટી અને ડિબ્રુગઢમાં લાગુ કરવામાં આવેલી સંચારબંધીમાં આજે વધુ રાહત આપવામાં આવી હતી પરંતુ સ્કુલ અને કોલેજા બંધ સ્થિતિમાં છે. નાગરિક સુધારા બિલને લઈને હિંસક પ્રદર્શન જારી છે.

આસામમાં ૧૬મી ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સર્વિસને બંધ કરી દીધી છે. આવતીકાલે સ્થિતિના  સંદર્ભમાં કોઇ નવા નિર્ણય લેવામાં આવી શકે છે. આસામના ૧૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ત્રિપુરામાં પણ હાલત કફોડી બની રહી છે. ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે. આસામ રાઇફલ્સના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.

આસામ રાઇફલની એક એક ટુકડીને ત્રિપુરાના કંચનપુરા અને મનુમાં તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આસામમાં તો કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે.નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. આસામમાં સૌથી વિસ્ફોટક સ્થિતિ  સર્જાઈ ગઈ છે.

પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે.જારહાટ, ગોલાઘાટ, ડિબ્રુગઢ, તીનસુકિયા, શિવસાગર, સોનીતપુર સહિતના વિસ્તારોમાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા છે. આસામ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. ડિબ્રુગઢમાં સ્થિતિ વણસી ગઇ છે. પોલીસે દેખાવકારો ઉપર રબરની ગોળીઓ ચલાવી હતી. લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના જવાનોને પરત બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આ જવાનોને આસામ મોકલી દેવામાં આવ્યા છે. હિંસા અને દેખાવો દરમિયાન ભાજપના નેતાઓના આવાસ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.