રામ મંદિર માટે મૂર્તિઓ બનાવવામાં મુસ્લિમ કારીગરોનું પણ યોગદાન….
શિલ્પકારોએ બનાવી ભગવાન રામની મનમોહક મૂર્તિ
પશ્ચિમ બંગાળના મુસ્લિમ કારીગરોએ ફાઈબરની પ્રતિમાઓ તૈયાર કરી છે જેને અયોધ્યા મોકલવામાં આવશે
લખનૌ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને હવે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ પણ નજીક આવી રહ્યો છે ત્યારે તેના નિર્માણમાં દરેક ધર્મના લોકોની ભાગીદારી છે. પશ્ચિમ બંગાળના બે મુસ્લિમ શિલ્પકારો પણ આ મંદિર માટે ભગવાન રામની પ્રતિમા બનાવીને યોગદાન આપી રહ્યા છે. આ પ્રતિમાને મંદિરના ઉદઘાટન સમારોહ માટે મોકલવામાં આવશે. પ. બંગાળના ૨૪ પરગણા જિલ્લાના મુસ્લિમ શિલ્પીઓએ આ માટે પોતાની કળા દ્વારા યોગદાન આપ્યું છે.
મંદિરના કોમ્પ્લેક્સમાં ભાવિકોને શ્રી રામની સુંદર મૂર્તિઓ જોવા મળશે જેને મોહમ્મદ જમાલુદ્દીન અને તેના પુત્ર બિટ્ટુ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આ પિતાપુત્રની જોડી ઘણા સમયથી મૂર્તિઓનું નિર્માણ કરે છે અને ઓનલાઈન તેમની કારીગરી પર કેટલાક લોકોની નજર ગઈ હતી. ત્યાર પછી તેમને અયોધ્યાથી ઓર્ડર મળ્યો હતો. મોહમ્મદ જમાલુદ્દીન અને તેમનો પુત્ર ઘણા વર્ષોથી આ કામ સાથે સંકળાયેલા છે તેથી આસપાસના વિસ્તારોમાં તેમની નામના છે.
આ કારણથી જ આટલા મહત્ત્વના પ્રોજેક્ટમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા છે.દેવી -દેવતાઓની મૂર્તિ બનાવવાની વાત આવે ત્યારે માટી કરતા ફાઈબરની મૂર્તિ બનાવવી વધારે મોંઘી પડે છે. પરંતુ તે વધુ ટકાઉ હોય છે અને ખરાબ વાતાવરણ કે હવામાનમાં પણ ટકી શકે છે. તેથી આઉટડોરમાં જ્યારે પ્રતિમાઓ ગોઠવવાની હોય ત્યારે ફાઈબરની પ્રતિમા વધારે પસંદ કરવામાં આવે છે. તેઓ કહે છે કે લાઈફ સાઈઝની પ્રતિમા બનાવવાનો ખર્ચ લગભગ ૨.૮૦ લાખ રૂપિયા આવે છે પરંતુ આ રકમ બહુ વધારે ન કહેવાય કારણ કે તેમાં બહુ ઉચ્ચ કારીગરીની જરૂર પડે છે અને ઘણી મહેનત લાગે છે.પોતે મુસ્લિમ હોવા છતાં આ પ્રોજેક્ટ કઈ રીતે મળ્યો તે વિશે પૂછવામાં આવતા જમાલુદ્દીને જણાવ્યું કે ધર્મ એ એક પર્સનલ બાબત છે.
આપણા દેશમાં દરેક ધર્મના લોકો છે. હું માનું છું કે કોમવાદનો સામનો કરવો હોય તો આપણે બધાએ ભેગા મળીને રહેવું જોઈએ.ભગવાન રામની પ્રતિમા બનાવીને હું ખુબ ખુશ છું. જમાલુદ્દીન એક કાબેલ અને અનુભવી શિલ્પકાર છે. તેમણે માત્ર ભગવાન રામની જ નહીં, પરંતુ મા દુર્ગા અને જગધાત્રીની મૂર્તિઓ પણ બનાવી છે અને તેને બહુ ચાહના મળી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા હિંદુ દેવી દેવતાઓની ફાઈબરની મૂર્તિ બનાવે છે.
તેનો પુત્ર બિટ્ટુ પણ આ કામમાં તેની સાથે જોડાય છે. પિતા-પુત્રની જોડી ઉપરાંત લગભગ ૩૦થી ૩૫ લોકોની એક ટીમ આખી પ્રક્રિયામાં જોડાય છે. લાઈફ સાઈઝની એક મૂર્તિ બનાવવામાં એકથી દોઢ મહિનાનો સમય લાગી જતો હોય છે. પશ્ચિમ બંગાળમાં મૂર્તિ બનાવીને યુપીના શહેર સુધી પહોંચાડવામાં જ દોઢ મહિનો લાગી જાય છે તેવું તેઓ કહે છે.ss1