Western Times News

Gujarati News

અમેરિકામાં લાખો ડોલરના કાંડમાં પ્રણવ પટેલની ધરપકડ

ન્યૂજર્સી ખાતે પ્રણવ પટેલની ફ્લોરિડાની પોલીસે કરી ધરપકડ

અમેરિકન સિટીઝન્સને ફોન કરી જેલભેગા કરવાની ધમકી આપીને તેમની પાસેથી મોટી રકમ પડાવાતી હતી

અમદાવાદ, અમેરિકાના લોકોને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી લાખો ડોલર પડાવવાના એક કૌભાંડમાં કથિત સંડોવણી બદલ મૂળ ગુજરાતી એવા પ્રણવ પટેલ નામના એક ૩૨ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પ્રણવ પટેલ નામનો આ વ્યક્તિ મૂળ ન્યૂજર્સીનો રહેવાસી છે, જેના પર ફેડરલ વાયર ફ્રોડ ચાર્જ લગાવવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કાંડમાં સામેલ પ્રણવ પટેલ અમેરિકામાં અલગ-અલગ જગ્યાએ જઈને વિક્ટિમ્સ પાસેથી કેશ તેમજ ગોલ્ડ કલેક્ટ કરવાનું કામ કરતો હતો. પ્રણવ ન્યૂજર્સીથી ફ્લોરિડા આ કામ માટે આવ્યો હતો, અને તે એક મહિલા પાસેથી પૈસા કલેક્ટ કરીને જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો.

પ્રણવ પટેલ સામે જે મામલામાં સંડોવાયેલો હોવાનો આરોપ છે તેમાં ફ્લોરિડાની બે મહિલા પાસેથી કુલ ૯ લાખ ડોલર જેટલી રકમ પડાવવામાં આવી હતી. આ બંને મહિલાઓની સાથે ફ્રોડ કરનારા લોકોએ પોતાની ઓળખ યુએસ ડિપાર્ટમેન્ડ ઓફ ટ્રેઝરીના ઓફિસર તરીકે આપીને તેમની સામે મની લોન્ડરિંગના ચાર્જમાં અરેસ્ટ વોરન્ટ ઈશ્યૂ થયું છે તેવું કહીને ડરાવી હતી, અને આ વોરન્ટ કેન્સલ કરાવવાના નામે તેમની પાસેથી મસમોટી રકમ પડાવાઈ હતી.

અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, આ કૌભાંડનો શિકાર બનેલી ફ્લોરિડાની મહિલાને પહેલા તો પોતાની ઓળખ એડવર્ડ રોબર્ટ્‌સ તરીકે આપનારા એક વ્યક્તિ સાથે વાત થઈ હતી, અને પછી એલ્વારો બેડન નામના એક વ્યક્તિએ તેને પોતાની ઓળખ ફેડરલ ટ્રેડ કમિશનના લાયર તરીકે આપીને તેની જોડે વાત કરી હતી. ફ્લોરિડાના હિલ્સબોરો કાઉન્ટીમાં આવેલા રસ્કીનમાં રહેતી આ મહિલાને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે તેની સામે વોરન્ટ નીકળ્યું છે, અને જો તેને ધરપકડથી બચવું હોય તો તેણે પોતાના બેન્ક અકાઉન્ટમાં જમા પડેલી તમામ રકમ વીડ્રો કરીને તેને ટ્રેઝરી એજન્ટને આપી દેવી પડશે.

આ ધમકી મળ્યા બાદ વિક્ટિમે તેના બેંક ઓફ અમેરિકાના અકાઉન્ટમાંથી ૨૦ હજાર ડોલર વિડ્રો કર્યા હતા, અને કેશનો ફોટોગ્રાફ અને રિસિપ્ટ પોતાની સાથે વાત કરનારાને મોકલી આપ્યા હતા. ત્યારબાદ આ મહિલાને એક ફોન આવ્યો હતો, જેમાં તેને જણાવાયું હતું કે તેના ઘરની પાસે ચોક્કસ સમયે એક કાર આવશે, જેની પાછળની સીટમાં તેને આ કેશ મૂકી દેવાની રહેશે.
જે વ્યક્તિ આ મહિલા પાસેથી કેશ કલેક્ટ કરવા આવ્યો હતો તે ના તો કારની બહાર આવ્યો હતો કે ના તો તેણે તેની સાથે કોઈ વાત કરી હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ વિક્ટિમે તેના મિડ અમેરિકા બેંકના સેવિંગ્સ અકાઉન્ટમાંથી બીજા ૨૦ હજાર ડોલર ઉપાડીને આ જ અનુસાર કોઈ કારવાળાને આપ્યા હતા.

જોકે, ૪૦ હજાર ડોલર મળ્યા બાદ પણ આ મહિલા પાસેથી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી, અને તેણે અરેસ્ટથી બચવા પોતાની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પણ ક્લોઝ કરાવીને તેના પૈસા પોતાને લૂંટી રહેલા વ્યક્તિના કહ્યા અનુસાર એક નવું બેંક અકાઉન્ટ ખોલાવી તેમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ મહિલા પાસેથી ગોલ્ડની ખરીદી કરાવવામાં આવી હતી, જોકે આ વખતે તેણે પોલીસને આ ઘટનાની જાણ કરી દીધી હતી અને ૩૦ નવેમ્બરે તેણે ૨૭ હજાર ડોલરના ગોલ્ડ કોઈન્સ અને બાર્સ ફોન કરનારા વ્યક્તિએ કહ્યા અનુસાર એક ગાડીવાળાને આપવાના હતા. ૩૦ નવેમ્બરે વિક્ટિમ પાસેથી ગોલ્ડ કલેક્ટ થવાનું હતું,

પરંતુ આ પ્લાન છેલ્લી ઘડીએ ચેન્જ કરીને વિક્ટિમને ૬ ડિસેમ્બરની તારીખ આપવામાં આવી હતી. આ દરમિયાન ફ્લોરિડાની જ બીજી એક મહિલા સાથે પણ આ રીતે ઠગાઈ થઈ હોવાની પોલીસને ફરિયાદ મળી હતી, અને આ મહિલા પાસેથી કુલ ૭.૩૨ લાખ ડોલર પડાવવામાં આવ્યા હતા. આખરે ૦૬ ડિસેમ્બરે વિક્ટિમને ગોલ્ડ લઈને એક એડ્રેસ પર પહોંચવા જણાવાયું હતું, જ્યાં તેને લાલ રંગની કારમાં પેકેજ મૂકી દેવાનું હતું.

તે દિવસે વિક્ટિમે જે કારમાં ગોલ્ડ મૂક્યું તેને પોલીસે ફોલો કરી હતી, અને કાર જેવી એક જગ્યાએ પાર્ક થઈ અને તેના ડ્રાઈવરે તેમાંથી ગોલ્ડનું પેકેજ કાઢ્યું તે જ વખતે પોલીસે તેને રંગેહાથ પકડી લીધો હતો અને તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ પ્રણવ પટેલ હતો.પ્રણવ પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે આ રીતે અમેરિકાના બીજા રાજ્યોમાં પણ લોકો પાસેથી કેશ કલેક્ટ કર્યા છે, અને તે તાજેતરમાં જ નોર્થ કેરોલિના પણ ગયો હતો. પ્રણવ પટેલની ધરપકડ કરીને પોલીસે તેને પિનેલાસ કાઉન્ટી જેલમાં મોકલી આપ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.