શિક્ષણના બદલે વિદ્યાર્થીઓને રસોઇના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો

વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલી આશ્રમ શાળામાં શિક્ષણના બદલે વિદ્યાર્થીઓને રસોઇના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે. કપરાડાની આશ્રમ શાળામાં રસોયાના બદલે બાળકો રસોઇ બનાવી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
જેને લઇને વિવાદ સર્જાયો છે.ઘટના કંઇક એવી છે કે વલસાડના કપરાડમાં આવેલી શાળામાં ઘણા સમયથી વર્ગ-૪ કર્મચારી તરીકે કામ કરતા રસોઇયાની જગ્યા ખાલી છે. જેથી શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે જ રસોઇ બનાવડાવવામાં આવે છે.
વિદ્યાર્થીઓ રસોઇ બનાવતા હોય તેવો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ પાસે રસોઇ બનાવડાવવાને લઇને વિવાદ વકર્યો છે. વાલીઓ તથા અન્ય સ્થાનિકો દ્વારા જિલ્લા આશ્રમ શાળા વિભાગ પર બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો છે.
બીજી તરફ વિદ્યાર્થીઓ રસોઇ બનાવતા હોવાનો વીડિયો વાયરલ થતા અધિકારીઓ દોડતા થયા છે. આશ્રમ શાળાના અધિકારી વિક્રાંત થોરાના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
તેમના જણાવ્યા મુજબ વર્ગ-૪માં રસોયાની જગ્યા ખાલી છે. જેથી આ મામલે સરકારને રજૂઆત કરી છે. હવે રસોયાની ભરતી કરાશે. રસોયાના અભાવે વિદ્યાર્થીઓએ રસોઇ બનાવી હતી. SS3SS