અમદાવાદ-ઉદયપુર હાઈવે છ વર્ષે પણ અધૂરો: મુદ્દો સંસદમાં ગુંજ્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે પર ચિલોડાથી શામળાજી સુધી પસાર થવુ જાણે કે પરેશાનીઓનો સામનો કરવા બદલ છે. ત્રણ વર્ષમાં જ નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની વાતો વચ્ચે નેશનલ હાઈવેનુ કાર્ય ૬ વર્ષે પણ પૂર્ણ થઈ શક્યુ નથી. વર્ષ ૨૦૧૮માં શરુ થયેલ હાઈવેની કામગીરી સતત રુકાવટોથી ભરેલી રહી છે. જેને લઈ હવે આ મામલે સાંસદ દીપસિંહ રાઠોડે લોકસભામાં રજૂઆત કરી છે.
જે કોન્ટ્રાક્ટ બાદ રોડનુ કામ ગોકળગાયની ગતિએ ચાલતા ડાયવર્ઝનોથી વાહનચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. હાલમાં હવે અનેક ઓવરબ્રિઝના કામ પણ અધૂરા જ પડી રહ્યા છે. અનેકવાર કામ શરુ કરવા બાદ પણ મુખ્ય કોન્ટ્રાક્ટરની ખરાબ દાનતને લઈ વાહનચાલકો પરેશાન થઈ રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે.
હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સિક્સલાઈનના બે ઓવર બ્રિજ હાલમાં નિર્માણ થઈ રહ્યા છે.
આ બંને ઓવરબ્રિજનુ કામ હાલમાં અધ્ધરતાલ છે. અત્યાર સુદી ડઝનેકવાર ઓવરબ્રિજનુ કામ શરુ કરીને બંધ કરી દેવામાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નીચેના પેટાકોન્ટ્રાક્ટરો અને અન્ય કર્મચારીઓ અને મશીનરી સંચાલકોને પૈસા જ નહીં ચૂકવાતા હોવાની પણ ફરીયાદો ઉઠી હતી. જેના કારણે ઓવરબ્રિજના કામ અધૂરા જ રહેતા હોય છે અને મશીનરી સંચાલકો દ્વારા બંધ કરી દેવામાં આવે છે.
તો વળી ઓવરબ્રિજના કામને લઈ ડાયવર્ઝના તૂટેલા રોડથી સતત ડસ્ટ ઉડવાને લઈ શહેરમાં હાઈવે નજીકના વિસ્તારોમાં હવામાં ધૂળની સમસ્યા વર્તાઈ રહી છે. અનેકવાર લોકોએ ફરિયાદો કરવા છતાં હાઈવે ઓથોરિટી પણ કોઈ કાર્ય કરતી નથી. અગાઉ સ્થાનિક અગ્રણી નેતાએ હાઈવેની કામગીરીને ઝડપી બનાવવા માટે દિલ્હી રજૂઆત કરતા પેવર સહિતની કામગીરી ઝડપી બની શકી હતી. પરંતુ ફરી વાર હવે ઓવર બ્રિજના કામ લટકતા અગ્રણી સમક્ષ સ્થાનિકોએ રજૂઆત કરી છે.
ફરી એકવાર સાંસદ દીપસિંહ રાઠોડે સિક્સ લાઈનના અધૂરા કાર્યને લઈને રજૂઆત કરી છે. સાંસદ દીપસિંહે લોકસભા સત્ર દરમિયાન સંસદમાં રજૂઆત કરી હતી. કાર્ય ઝડપી બને અને નિર્માણકાર્ય જલદી સમાપ્ત થાય એ માટે રજૂઆત કરવામાં આવી હતી.