કલોલ પાલિકા દ્વારા વેરામાં કરાયેલા તોતિંગ વધારા સામે ભભૂકતો રોષ
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકા દ્વારા વેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છેતેની સામે નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વેરામાં કરાયેલો વધારો પાછો ખેંચવાની માગણી સાથે અરજદારોના ટોળા સોમવારે નગરપાલિકાની કચેરીમાં ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
કલોલ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા સફાઈ, દીવાબત્તી, પાણી સહિતની સેવા માટે લેવાતા વેરામાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો હતો. પાલિકાના આ નિર્ણય સામે નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. વેરા વધારાના વિરોધમાં હજારો નાગરિકો દ્વારા વાંધા અરજીઓ કરવામાં આવી હતી. વાંધા અરજીઓના ઢગલા થતાં હરકતમાં આવેલા પાલિકાના સત્તાધિશો દ્વારા અરજદારોને નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા
ત્યારે મોટી સંખ્યામાં નાગરિકો વેરા વધારાના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વેરા વધારાના મુદ્દે માહિતી આપવામાં આવી હતી. એક પછી એક મળી સેંકડો નાગરિકો દ્વારા વેરામાં કરાયેલા વધારાને તાકીદે પાછો લેવા માટે માગણી કરવામાં આવી હતી.