કરોડોના વેરાની વસૂલાત માટે બ્લ્યુ-રે અને ગુજસેઈલને નોટિસ
મહેસાણા, મહેસાણાના એરોડ્રામની વિશાળ જગ્યાના વેરા પેનલ્ટીના રૂ.ર.૧ર કરોડની વસૂલાત માટે પાલિકાએ બ્લ્યુ-રે એવીએશન કંપની તેમજ ગુજસેઈલને નોટિસ પાઠવી છે.
મહેસાણા પાલિકામાં વર્ષોથી બાકી વેરા પેટે એએએ કંપનીએ રૂ.૪.૬૮ કરોડ ચૂકવી દીધા છે ત્યારે આ જ એરોડ્રામમાં સાડા ચારેક વર્ષથી પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચલાવતી બ્લ્યુ-રે એવીએશન કંપની વેરા આકારણી સામે વાંધો ઉઠાવી કોર્ટના શરણે ગઈ હતી. કંપનીએ માત્ર ૧પ૦૦ ચો.મી. જગ્યાનો ઉપયોગ કરતા હોઈ તેટલી જગ્યાનો જ વેરો આકારવાની માંગ કરી હતી.
જોકે પાલિકાએ નિયમ મુજબ સમગ્ર એરપોર્ટની ૩,૧૪,ર૬૩ ચો.મી. જગ્યાનો વેરો આકારેલો છે. અગાઉ કોર્ટનો આદેશથી કંપનીએ શરૂઆતના બે વર્ષના વેરા પેટે કુલ રૂ.૧.ર૩ કરોડ જેટલી રકમ પાલિકાને ચુકવી દીધી હતી, હાલમાં અગાઉના બે વર્ષનો વેરો, ચાલુ વર્ષનો વેરો અને પેનલ્ટી મળી કુલ ર.૧ર કરોડ જેટલી વસૂલાત બાકી છે. બીજી તરફ ચીફ જયુડિશિયલ કોર્ટે બ્લ્યુ-રે એવીએશન કંપનીની મ્યુનિ. ટેકસ અપીલ રદ કરી છે
ત્યારે પાલિકા દ્વારા હવે બ્લ્યુ-રે એવીએશન કંપની તેમજ ગુજસેઈલને નોટીસ પાઠવીને તેમને મોકલેલા માગણા બિલ મુજબની બાકી વેરાની રકમ તા.૧૯.૧.ર૦ર૪ સુધીમાં ભરી જવા તાકીદ કરી છે. વેરો નહીં ભરે તો કંપનીના તાબા હેઠળની મિલકત અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.