લોકતંત્રને ટૂંપો અપાઈ રહ્યો છે : સોનિયા ગાંધી
નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા. સીપીપીની બેઠકમાં સોનિયાએ કહ્યું કે લોકતંત્રને ગળે ટૂંપો અપાઈ રહ્યો છે. આવું અગાઉ ક્યારેય થયું નહોતું.
કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે લોકતંત્રને ગળે ટૂંપો આપી દીધો છે. ભૂતકાળમાં આટલા બધા વિપક્ષી સાંસદોને ગૃહથી ક્યારેય સસ્પેન્ડ નહોતા કરાયા એ પણ યોગ્ય અને કાયદેસરની માગ માટે.
૧૩ ડિસેમ્બરે બનેલી અસાધારણ ઘટના પર વિપક્ષના સભ્યોએ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગ કરી હતી. આ આગ્રહ સામે જે અહંકાર સાથે કાર્યવાહી કરાઈ તેના માટે મારી પાસે શબ્દો નથી.
તેમણે કહ્યું કે ૧૩ ડિસેમ્બરના દિવસે જે કંઈ થયું તે માફીને લાયક નથી અને તેને યોગ્ય ન ઠેરવી શકાય. પીએમએ દેશને સંબોધિત કરવામાં અને ઘટના પર વિચારો રજૂ કરવામાં ૪ દિવસનો સમય લાગી ગયો. એ પણ તેમણે સંસદની બહાર પ્રતિક્રિયા આપી.
આવું કરીને તેમને ગૃહની ગરિમા અને આપણા દેશના લોકો પ્રત્યે તેમની ઉપેક્ષાના સ્પષ્ટ સંકેત આપ્યા. હું એ કલ્પના તમારા લોકો પર છોડું છું કે ભાજપ આજે વિપક્ષમાં હોત તો શું કરતો.
જમ્મુ-કાશ્મીરના બિલ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ સત્રમાં જમ્મુ-કાશ્મીર સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરાયા.
નહેરુ જેવા મહાન દેશભક્તોને બદનામ કરવા પ્રયાસ થયો. ઈતિહાસ અને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરીને અભિયાન ચલાવાયું. આ પ્રયાસો માટે મોરચો ખુદ પીએમ અને ગૃહમંત્રી સંભાળી રહ્યા છે પણ અમે જણાવી દઈએ કે અમે ડરવાના નથી અને ન તો નમીશું. અમે સત્ય પર કાયમ રહીશું. SS2SS