‘મારે શું’ અને ‘તારે શું’ : બે પ્રકારના માઈન્ડ સેટથી બચીને રહેજો
તમારું માઈન્ડ સેટ જ તમારી લાઈફ સેટ કરે છે
આજના વિષયનું શીર્ષક લખતાની સાથે જ સાહિર લુધિયાનવીનું ગીત યાદ આવે.‘ તોરા મન દર્પણ કહેલાએ, લે બુરે સારે કર્મોકો દેખે ઔર દિખાએ.’ આપણું મન એક એવો અરીસો છે જેમાં આપણે આપણી જાતને તો જોઈ જ શકીએ પણ અન્યોને પણ જોઈએ છીએ.
બજારમાં એવા અરીસાઓ પણ હોય છે જે જાડાને પાતળા અને પાતળાને જાડો બતાવે. આંખ જે દેખાડે છે એ સત્ય છે, અર્ધસત્ય છે કે અસત્ય, એ તો આપણું મન જ નકકી કરે છે. વિવિધ ઘટનાઓ કે લોકો પ્રત્યે તમે જે પ્રતિભાવો આપો તેના આધારે લાંબાગાળે તમારા મનોવલણો કે માઈન્ડસેટ બને છે.
દિવાળીની રજાનો લાભ લઈને કોલેજના મિત્રો ગીરમાં ફરવા ગયા હતા બધા પ્રોગ્રામ પૂરા કરીને રાત્રે બે મિત્રે દારૂની શું વ્યવસ્થા છે એવી પુછપરછ કરી. કબીરને આ ન ગમ્યું એટલે તેણે કહ્યું કે આપણે સૌ આનંદ કરવા માટે એકલા ફરવા આવ્યા છીએ તેનો અર્થ એ નથી કે દારૂ પીવો. આવી વાતો કરવી પણ અયોગ્ય છે. હર્ષિલે કહ્યું કે, તું તો એવી વાત કરે છે જાણે મેં તને દારૂ પીવાનું કહ્યું હોય. અમે પીએ એમાં તારે શું. કબીરે તરત કહ્યું કે, મિત્રો હોય ત્યાં ‘મારે શું’ વિચારવું એ મિત્રતાને લજવે.
જો બધા આવું વિચારીને મિત્રને ખરાબ રસ્તે જતા ન અટકાવે તો સમાજ રહેવા જેવો ન રહે. આજે તમારી ટેવ બગડે અને પછી હિટ એન્ડ રનના કેસમાં ઈજા પામનાર આપણા જ કોઈના માતા-પિતા હશે અને ટક્કર મારનાર આપણો જ મિત્ર હશે. આવું બંધ કરો અને બે પ્રકારના માઈન્ડસેટથી બચીને રહેજો એક ‘મારે શું’ બીજો ‘તારે શું.’
કબીરે જે કહ્યું, એ આપણે સૌએ વિચારવા જેવું છે. જે મને અસર નથી કરતું તે મુદ્દે આપણે ‘મારે શું’ વિચારીને છૂટી જઈએ છીએ. જે મારે કરવું જ છે તેમાં કોઈ રોકે તે બાબતે ‘તારે શું’ કહીને દાદાગીરી કરવી. સમાજની અને દેશની વાત છોડીને માત્ર નજીકમાં નજર કરો. નાનો ભાઈ પરીક્ષામાં પાસ થતો નથી. નાની બહેનનું કોઈ સાથે ચક્કર ચાલે છે. મિત્ર કોઈના કહ્યામાં નથી. પપ્પાને તેના ભાઈ સાથે બનતું નથી.
જરા વિચારો કે હું જેમને મારા ગણું તેમના માટે મારા વિચારો કેવા હોય ? આ બધામાં ‘મારે શું’ વિચારીને બેસી રહેવું તેના કરતા ‘મારે શું કરવાનું છે’ એમ વિચારવું વધુ યોગ્ય રહેશે. વરસાદમાં પલળતા પરિવારને જોઈને ગાડીમાં બેઠેલા રતન ટાટાએ ‘મારે શું’ ન વિચાર્યું તેમણે સામાન્ય લોકો ખરીદી શકે અને વરસાદથી બચી શકે તેવી અર્ફોડેબલ કાર બનાવી, આ વિચારના કારણે જ તેમને અનેક લોકો આદર્શ માને છે.
બીજા પ્રકારનો માઈન્ડસેટ ‘તારે શું તો એક આત્મઘાતી બોમ્બ જેવું કામ કરે છે. રસ્તા વચ્ચે ફટાકડા ફોડનારને કોઈ રોકે તો ‘તારે શું’ કહેનારા લોકો સમાજ માટે ખતરો છે. પોતાના હિતની વાતમાં આવું વલણ રાખવું પોતાના માટે પણ ખતરો છે. કોઈ યંત્ર એલર્ટ આપે તો આપણે માનીએ પણ કોઈ મિત્ર ચેતવણી આપે તો ? લોકો તમને તમારા સારા કામ બદલ બિરદાવે તે ગમે પણ કોઈ અયોગ્ય કાર્ય બાબતે ટોકે ત્યારે આપણે કહીએ ‘તારે શું.’
આવું કહીને આપણે આપણું જ નુકસાન કરીએ છીએ. મોટા દેશો પણ પોતાના પ્રશ્રોના સમાધાન માટે નિષ્ણાત લોકો પાસેથી સલાહ માગે છે, આપણને સામેથી કોઈ સલાહ આપે એથી સારું શું હોય. પાડોશી કહે કે તમારો દીકરો પાનના ગલ્લે સિગરેટ પીતો હતો અને બાપ ‘તારે શું’ કહે તો નુકસાન કોને થશે?
મિત્રો, દર્દીને જોઈને ડોકટર કહે ‘મારે શું’ અને પ્રદૂષણ ફેલાવીને ઉદ્યોગકારો કહે ‘તારે શું’ તો અંતે સૌનું નુકસાન જ થશે. ‘તારે શું’ કહેવા કરતા તમારો આભાર કહેવાની ટેવ પાડો. તમારું માઈન્ડ સેટ જ તમારી લાઈફ સેટ કરે છે. આ બાબતે તમે થોડું વિચારશો એવો વિશ્વાસ છે.