Western Times News

Gujarati News

ગુજરાતમાં ડાકણપ્રથાનું કલંક ક્યારે દૂર થશે!

પ્રતિકાત્મક

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં હત્યાના પ્રયાસ કે અત્યાચાર ગુજાર્યાના અનેક બનાવ જાણવા-સાંભળવા મળે છે. આ સરકારી આંકડા મુજબ પ્રગતિશીલ અને વિકાસના પર્યાય ગણાતા ગુજરાતમાં ડાકણ માની ૫ વર્ષમાં ૧૮ મહિલાની હત્યા કરાઈ છે

૨૦૨૧માં રાષ્ટ્રપતિના હસ્તે ઝારખંડની છૂટનીદેવીનું પદ્મ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. છુટનીદેવી મહિલા સશક્તિકરણનું પ્રતિક છે. એક સમયે ગામના લોકોએ તેમને ડાકણ કહીને ધુત્કારી કાઢ્યા હતા. એ છુટની દેવીની પદ્મશ્રી સુધીની રોચક સફર અનેક સંઘર્ષાેથી ભરપૂર છે. ડાંગ જિલ્લામાં ગુજરાત પોલીસના પ્રોજેક્ટ દેવીની હાલમાં ભારે ચર્ચા છે પોલીસની શી ટીમ દ્વારા હાથ ધરાયેલો આ પ્રયાસ સરાહનીય છે.

એક સમયે જેમને ડાકણ ગણવામાં આવતી હતી એવી મહિલાઓને હવે દેવી ગણી પૂજવામાં આવે આ ઘટના કોઈ નાનીસૂની નથી. આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કારણે ડાકણ માનવાની વાત ઘણા વર્ષાેથી ચર્ચામાં હતી. હવે આ વાતને પોલીસે હાથમાં લઇ આ પ્રથા નાબૂદ થાય એવા પ્રયાસો હાથ ધર્યા છે.

ડાંગના ગ્રામ્ય પ્રજાજનોમાં પ્રવર્તતી ડાકણપ્રથા જેવી ક્રૂર અંધશ્રદ્ધા સામે પોલીસે રણશિંગુ ફૂંક્યુ છે જે મહિલાઓને ડાકણ ગણીને તેને જમવાનું ન આપવું, ઘરની બહાર કરવી, માર મારવો, ઊંધી લટકાવીને નીચે લાલ મરચાં બાળવા જેવો અમાનુષી અત્યાચાર ગુજારાતો તેવી મહિલાઓના ઘર સુધી જઈને પોલીસની શી ટીમે પરિવાર અને તે મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું.

નવરાત્રીથી અત્યાર સુધીમાં આવી ૬૫ મહિલાને અત્યાચારમાંથી મુક્ત કરી સ્વામાનભેર જીવવાનો અધિકાર આપ્યો છે. બાદમાં એક જાહેર કાર્યક્રમ યોજી આ તમામ મહિલાઓને તેના પરિવાર સામે સન્માનિત કરી જાહેર કર્યું કે આ ડાકણ નહીં, દેવી છે. આ સમાચારે ફરી છુટનીદેવીને પ્રકાશમાં લાવી દીધા છે. છુટની દેવી ઝારખંડના સરાઈકેલા- ખારસાવાન જિલ્લાના ગમહરિયાના બીરબન્સ વિસ્તારની રહેવાસી મહિલા છે.

૧૨ વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન થઈ ગયા. ત્રણ સંતાન પણ થયા. જોકે, ૧૯૬૫નું વર્ષ તેમના જીવનને કંઈક બીજી દિશામાં જ લઇ ગયું. એમ કહીએ તો ચાલે કે જીવવું હરામ થઈ ગયું. તેમની પાડોશમાં રહેતા એક પરિવારની દીકરી બીમાર પડી. લોકોએ શંકા કરી કે છુટનીદેવીએ તેના પર જાદુ કર્યાે છે. ગામમાં પંચાયતની બેઠકમાં તેમને ડાકણ તરીકે જાહેર પણ કરી દેવાયા. એક સમયે લોકોએ ઘરમાં ઘુસીને તેમની સાથે બળજબરીનો પણ પ્રયાસ કર્યાે. જેને પોતે ત્રણ સંતાન હોય એ કેવી રીતે કોઈના સંતાન પર જાદુટોણાં કરે એવી તેમની વાત સાંભળવા કોઈ તૈયાર ના થયું.

તેમના પરિવારને દંડ થયો અને લોકો તેમને ખેંચીને ઘરની બહાર લઇ આવ્યા. અર્ધનગ્ન હાલતમાં તેમને ઝાડ સાથે બાંધી માર પણ મારવામાં આવ્યો. પરિવારમાંથી કોઈએ સાથ ના આપ્યો, પતિએ પણ નહીં. એક રાતે સંતાનો સાથે તે ભાગવામાં સફળ થઇ. ઠેકઠેકાણે આશરો લીધો અને આઠ મહિલા તો જંગલમાં ઝુંપડી બાંધીને પણ રહી. ધીમે ધીમે લાંબા સમય બાદ છુટની દેવીની વાત મીડિયા સુધી પહોંચી. એક ડોક્યુમેન્ટરી પણ બની. આશા નામની સંસ્થાનો સાથ મળ્યો. બાદમાં તેમણે એવી ઘણી મહિલાઓને મદદ કરી જેમને ડાકણના નામે પરેશાન કરવામાં આવતી હતી.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જોઈએ તો. સગી જનેતા, બહેન, પત્ની કે પછી પાડોશી. ડાકણના વહેમની શંકાએ આવા કોઈ પણ સંબંધોના છેદ ઉડાડીને અંધશ્રદ્ધાળુ પુરુષો ગુજરાતમાં પાછલા પાંચ વર્ષમાં ૧૮ નિર્દાેષ મહિલાઓની હત્યા કરી છે. આદિવાસી સમાજ ઘણી ગેરમાન્યતાઓમાંથી બહાર આવી ગયો છે. છતાં આજે પણ જ્યાં અભ્યાસ અને આવકનો અભાવ છે તેવા અંતરિયાળ ગામોમાં અંધશ્રદ્ધામાં મહિલાઓ આવી બદીનો શિકાર બની રહી છે.

વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૨૧ દરમિયાન ગુજરાતમાં ડાકણનો વહેમ રાખીને કુલ ૧૮ મહિલાઓની હત્યા થઈ છે. જે પૈકી મોટાભાગના કિસ્સામાં એક જ સમાન કારણ બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, ગામ કે પરિવારમાં કોઈ નાની વયની વ્યક્તિનું આકસ્મિક મોત થાય ત્યારે અંધશ્રદ્ધામાં રાચતો પરિવાર ઘરની કે ગામની એકાદ મહિલાને ડાકણ માની તે ખાઈ ગઈ છે તેમ કહી તેની હત્યા કરે છે. આ હત્યામાં એક વ્યક્તિથી લઈને અનેક લોકો જોડાયેલા હોય તેવું પણ બને છે. જેને પાછળથી મોબલિન્ચિંગનું નામ આપી દેવાય છે.

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ એક વૃદ્ધાની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપ હતો કે, ખડખડ ગામની રંગલી રાઠવાની દીકરી

કવિતાનું પાંચેક મહિના પહેલા અવસાન થયું હતું. તેની દીકરીને વિધવા કાકી સાસુ હિંગળી બહેન રાઠવા ખાઈ ગયા હોવાની અને તે ડાકણ હોવાની શંકા રાખી તેમના પર ધારદાર હથિયારના આડેધડ ઘા મારી સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસનું કહેવું છે, આ બનાવ ગત વર્ષનો છે પણ તપાસ કરતા જાણવા મળ્યું કે, કવિતાનું કુદરતી મોત નિપજ્યું હતું.

થોડા સમય અગાઉ એક ન્યુઝ એજન્સીના પત્રકાર જોડે વાતચીતમાં રેન્જ આઈ.જી.રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે, હું વર્ષ ૨૦૦૩માં દાહોદ ડીવાયએસપી હતો. ત્યારે એક સંદેશો મળ્યો કે, ઝાલત પાસે એક ગામમાં ત્રણ મહિલાઓને જાહેરમાં ફેરવી તેમને માર મારવામાં આવી રહ્યો છે. આ મહિલાઓ ડાકણ હોવાનો આરોપ છે. હું મારા સ્ટાફ સાથે તાત્કાલીક પહોંચ્યો. અમે પહોંચ્યા ત્યારે સ્થાનિકોની વસતી વધુ હતી અને અમારી સંખ્યા ઓછી હતી.

માટે બીજો પોલીસફોર્સ બોલાવ્યો અને લાઠીચાર્જ કરી ટોળા વિખેર્યા. ત્રણેય ગંભીર રીતે ઘાયલ મહિલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડી. જોકે, ત્યાં પણ બાજુના ખાટલામાં સુતા પેશન્ટ તેમને ડાકણ સમજી ડરવા લાગ્યા. અંતે મેં દર્દીઓને સમજાવ્યા અને પોલીસ સુરક્ષામાં છે તેવી ખાતરી આપ્યા પછી યોગ્ય સારવાર થઈ. આ મહિલાઓને મારવા અંગે કેસ નોંધાયો અને જ્યારે ઈન્વેસ્ટિગેશન થયું ત્યારે આંચકારૂપ ઘટના સામે આવી. ગામના એક નાના બાળકનું અવસાન થયું હતું.

આ સમયે વરસાદનો સમય હતો અને સ્મશાનમાં લાકડા પણ થોડાઘણા પલડી ગયા હતા. જ્યારે બાળકને અંતિમસંસ્કાર આપવામાં આવ્યા તયારે પલડેલા લાકડાથી આખો મૃતદેહ સળગી ના શક્યો અને ચીમડાઈને વિચિત્ર આકાર બની ગયો. જેને મરઘી સમજીને વાત વહેતી થઈ કે, ગામની ત્રણ મહિલાઓએ આ બાળકને મારીન મરઘી બનાવી નાંખી છે. અંતે ગામના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેમના પરિવારનું બાળકનું અવસાન થયું હતુ તેમને વરસાદ અને પલડેલા લાકડા અંગે સમજાવવું પડ્યું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.