Western Times News

Gujarati News

ચાલુ વર્ષે જીરાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ બમણું થયું

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટરમાં  થયું રવિ પાકોનું વાવેતર: સૌથી વધુ ૧૦.૭૩ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર

કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ ૫.૬૪ લાખ હેકટરમાં વાવેતર-તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું ૨.૬૪ લાખ હેકટરમાં વાવેતર

સમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ લાભદાયી નીવડશે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

વધુ વિગતો આપતા કૃષિ મંત્રીશ્રીએ કહ્યું કે, જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં ૨.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૫.૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. એટલે કે, ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં ૨૦૨.૫૮ ટકા જેટલો વધારો નોંધાયો છે.

મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ધાન્ય  પાકોમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૭૩ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે કુલ ૫.૬૪ લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ ૨.૬૪ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રવિ પાકોનું સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ ૧૬.૦૩ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૧૩.૭૦ લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૭.૯૪ લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૩.૧૦ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયેલ છે.

રવિ ઋતુમાં હાલની સ્થિતીએ કૃષિ પાકોનું વાવેતર સંતોષકારક રીતે થયું છે, તેમજ સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.