Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 200 કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરશે

આ પ્રકારના બોન્ડ જાહેર કરનાર દેશની બીજી મહાનગર પાલિકાઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગેની તમામ સત્તાઓ સત્તાધીશો દ્વારા કમિશ્નરને સોંપવામાં આવી છે. શહેરમાં સતત ચાલતી સ્વચ્છતા ઝુંબેશમાં અગ્રણીઓને સામેલ કરવામાં આવશે આ ઉપરાંત પ્રદુષણ ઘટાડવા માટે એન્વાયરમેન્ટ સેલની રચના કરવા સ્ટેન્ડિગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી.

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પો. દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગે એપ્રિલ-ર૦રરમાં ઠરાવ થઈ ગયો હતો હવે તેને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કમિટી દ્વારા કમિશ્નરને સત્તા સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારની અમૃત ર.૦ અંતર્ગત રૂ.૩ર૦૦ કરોડના પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યા છે

તે પૈકી જે પ્રોજેકટ ગ્રીન પ્રોજેકટની વ્યાખ્યામાં આવતા હશે તેના માટે બોન્ડની રકમ ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા આ માટે ગ્રીન સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગ્રીન પ્રોજેકટ જાહેર કર્યાં બાદ સરકાર તરફથી રૂ.ર૦ કરોડની અપફ્રન્ટ ઈન્સેન્ટીવ આપવમાં આવશે. ર૦૧૯માં કોર્પોરેશન દ્વારા બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા

જેના માટે રૂ.ર૬ કરોડનું ઈન્સેન્ટીવ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે રકમ મેળવવા માટે રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવા જરૂરી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ગ્રીન બોન્ડ જાહેર કરનાર રાજયની પ્રથમ મહાનગર પાલિકા છે જયારે દેશમાં બીજા નંબરની મહાપાલિકા છે. દેશમાં સૌ પ્રથમ ઈન્દોર દ્વારા ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતાં.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સતત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દર શુક્રવારે પદાધિકારીઓ પણ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લે છે જેના ભાગરૂપે આવતીકાલે શાળાના બાળકો સાથે સ્વચ્છતા જાગૃતિની રેલી નીકાળવામાં આવશે.

શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરવા જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે તેમજ ૩૧મી ડીસેમ્બર સુધી તેના માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. નવરંગપુરા મ્યુનિ. શાળામાં તંત્ર દ્વારા સ્કેટીંગ રીંગ તૈયાર કરવામાં આવી હતી જે ઘણા સમયથી બંધ છે જેને પણ તાકિદે શરૂ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં જળ, વાયુ અને ધ્વનિ પ્રદુષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે એન્વાયરમેન્ટ એન્જીનીયરની ટીમ છે પરંતુ આ દિશામાં કામ કરવા માટે કોઈ ચોકકસ નીતિ તૈયાર નથી

તેથી તમામ પ્રકારના પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર સહિતની યુટીલીટીના નકશા તૈયાર કરવામાં આવશે. પ્રાથમિક તબકકે દરિયાપુર વોર્ડમાં આ કામ શરૂ કરવામાં આવ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.