કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચુ સુશાસન છે – મુખ્યમંત્રી
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના પર આપણે આગળ વધી રહ્યા છીએ
સરકારી કર્મચારીઓ કર્મયોગી તરીકે કાર્ય કરી રહ્યા છે તેનો સીધો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે-વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના ઘર સુધી લાભો પહોંચાડી શક્યા છીએ તેજ સાચુ સુશાસન છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો છે. કર્મયોગીઓના કામોને બિરદાવતા કહ્યું હતું કે, રાજ્યના કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે.
કર્મચારીઓ જ્યારે છેવાડાના નાગરિકોના હિતમાં એક જ દિશામાં કાર્ય કરે ત્યારે સાચી લોકશાહી-સુશાસન પ્રસ્થાપિત થાય છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના પર આપણે આગળ વધી રહ્યા છીએ. છેવાડાના માનવીને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો વધુને વધુ લાભ કેવી રીતે મળે તે માટે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરીશું.
મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, સુશાસનના પરિણામે જ ગુજરાત આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વની અગ્રણી કંપનીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં રોકાણ કરવા તત્પર છે ત્યારે આપણે તમામ ક્ષેત્રે તૈયાર રહેવું પડશે.
તેમણે જાપાન પ્રવાસના સ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે,જાપાનના માર્ગો પર કચરા પેટીઓ જ નથી આ તેમના નાગરિકોની સ્વચ્છતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિશ્વની ૫૦૦ શ્રેષ્ઠ કંપનીઓમાંથી અંદાજે ૧૦૦ કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે ત્યારે આપણે સૌએ સાથે મળીને ગ્રામીણથી શહેરી વિસ્તારમાં સુધી સ્વચ્છતા ઉપર વધુ ભાર મૂકવો પડશે. સરકારી કર્મચારીઓ કર્મયોગી તરીકે કાર્ય કરી રહ્યા છે તેનો સીધો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે આ જ સુશાસન છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા ‘સ્વાગત ઓનલાઇન’ કાર્યક્રમમાં આજે પણ છેવાડાના નાગરિકને ન્યાય આપવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના ઘર સુધી લાભો પહોંચાડી શક્યા છીએ તેજ સાચુ સુશાસન છે. આ અભિયાનને આપણે સતત ચાલુ રાખીને હવે આગામી સમયમાં એક જ અરજીમાં લાભાર્થીનું કામ થઈ જાય તે દિશામાં પ્રયત્ન કરવો પડશે અને જો આ કામ થઈ ના શકે તેમ હોય તો તેની કારણો સાથેની ચોક્કસ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી તેને સંતોષ થાય તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સૌ કર્મયોગીઓને સુશાસન દિવસની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે,આપણે દેશ અને સમાજના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ સામાન્ય માનવીના વિકાસ – લાભ માટે કેવી રીતે કરી શકીએ છીએ તેને સુશાસન કહેવાય છે. સુશાસનમાં વહીવટી પારદર્શકતા,જવાબદેહી, સંવેદનશીલતા સાથે જવાબ,ભેદભાવ વિનાનું કાર્ય,અસરકારકતા અને કાયદાની વ્યાખ્યામાં રહીને વહીવટ કરવો તે બાબતો કેન્દ્ર સ્થાને હોય છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ઈ -ગવર્નન્સને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે તેના ભાગરૂપે દર વર્ષે વિવિધ વિભાગો ટેકનોલોજી આધારિત નવી નવી એપ લોન્ચિંગ કરી રહ્યા છે. આ નવીન એપના માધ્યમથી છેવાડાનો માનવી ઘરે બેઠા પોતાનું કામ સરળતાથી અને ઝડપી કરી શકે છે. રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી માટે પણ ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ અપનાવીને સુશાસનની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. આ નવીન ઓનલાઇન પરીક્ષા પદ્ધતિથી સરકારી ભરતીઓમાં વધુ પારદર્શકતા આવશે.ગુજરાતમાં સુશાસનના પરિણામે જ આજે વિશ્વના રોકાણકારો ગુજરાતમાં રૂપિયાનું રોકાણ કરીને ડોલરની આવક મેળવી રહ્યા છે. મુખ્ય સચિવશ્રીએ આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા લોન્ચિંગ કરાયેલી નવીન એપ અને પોર્ટલ બદલ વિભાગના વડાઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીએ આમંત્રિતો તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સુશાસન એ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ પરિશ્રમ સાથે નાગરિકોને પૂરી પાડવામાં આવેલી સેવા-સહુલીયતની જર્ની છે. રાજ્યની કલ્યાણકારી યોજનાઓના લાભ પારદર્શક રીતે સમયસર લાભાર્થી સુધી પહોંચે તે સુશાસન.
કોઈ સાચો લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહી જાય અને અયોગ્ય લાભાર્થી આવી યોજનાઓનો ખોટો લાભ ન લઈ જાય તેવી મજબૂત વ્યવસ્થા ગોઠવવી એટલે પણ સુશાસન. આવી અનેક સેવાઓ અને સવલતો રાજ્યના નાગરિકોને સરકાર વતી વહીવટી તંત્ર દ્વારા સમયસર પૂરી પાડવામાં આવે એટલે સુશાસન, જે ગુજરાત સરકાર દ્વારા સુદ્રઢ રીતે એક મુહિમ બનાવી જનહિતાર્થે સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
પહેલા જે સેવા અઠવાડિયામાં મળતી હતો તે આજે ગુજરાત સરકાર દ્વારા એક દિવસમાં ઉપલબ્ધ બનાવાઈ છે. તેવી જ રીતે એક દિવસમાં અપાતી સેવાઓ એક કલાકમાં ઉપલબ્ધ બનાવાઈ છે અને પહેલા નાગરિકોને નાની નાની સેવાઓ માટે કચેરીઓમાં જવું પડતું હતું તે સેવાઓને ટેકનોલોજીની મદદથી ઘરે બેઠા ઉપલબ્ધ બનાવાઈ છે.
‘ગુજરાત મોડલ – સુશાસનની કર્મભૂમિ’ થીમ આધારિત રાજ્ય સરકારની સુશાસનની સિદ્ધિઓ અને ભાવિ લક્ષ્યાંક દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી.
આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થત રહ્યા હતા. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કલેકટરશ્રીઓ તથા ડીડીઓશ્રીઓ સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ આગેવાનો અને અધિકારી-કર્મચારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.