ઉ.ભારત ઠંડુગાર : દ્રાસમાં માઇનસ ૧૯
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ અકબંધ રહ્યુ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. હિમવર્ષા સંબંધિત બનાવોમાં ત્રણ લોકોના મોત થયા છે. લડાખના દ્રાસ ક્ષેત્રમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૯.૬ ડિગ્રી રહ્યુ છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં ત્રણ લોકોના મોત થયા છે. કેટલાક ભાગોમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાંચમા દિવસે બંધની સ્થિતી રહી હતી. લેહમાં માઇનસ ૧૩.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે.
ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયુ છે. દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં તો પારો એક ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ હાલત કફોડી બનેલી છે. જુદા જુદા ભાગોંમાં ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જાવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જાવી પડી છે.શુક્વારના દિવસે દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો જેથી આ તમામ વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. હિમવર્ષાના કારણે હિમાચલના વિવિધ ભાગો, કાશ્મીરના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાંબરફની ચાદર છે.