ધનખડે બાળકની જેમ સામાન્ય વાતને લઈને હંગામો મચાવ્યો : બેનર્જી
નવી દિલ્હી, તૃણૂમલ સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ વખતે તેમાં તૃણમૂલ નેતાએ ધનખડની સાથે જ પીએમ મોદીની પણ મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મેં તો સંસદની બહાર મિમિક્રી કરી હતી પણ પીએમ મોદીએ તો સંસદની અંદર મિમિક્રી કરી હતી.
તેમણે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સામે આરોપ મૂકતાં કહ્યું કે તેમણે એક સામાન્ય વાત પર દેશથી લઈને વિદેશ સુધી રડી નાખ્યું. આ સાથે ટીએમસી નેતા બેનર્જીએ ધનખડની તુલના સ્કૂલના નાના બાળકો સાથે કરી હતી.
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમના પદની બંધારણીય ગરિમાને નષ્ટ કરી રહ્યા છે કેમ કે તે પદની લાલચમાં પીએમ મોદી પ્રત્યે સન્માન પ્રગટ કરવાથી વધુ તેમની સામે સમર્પણ કરે છે. ધનખડ દ્વારા ખુદને ખેડૂતનો દીકરો ગણાવવા પર કલ્યાણે કહ્યું કે ધનખડ પાસે જાેધપુરમાં કરોડોની સંપત્તિ છે.
દિલ્હીમાં આલીશાન ફ્લેટ છે, તે રોજ લાખો રૂપિયાના સુટ પહેરે છે. સાથે જ ખેડૂતોની દીકરી સાક્ષી મલિકના સન્યાસ અને જાટ પુત્ર બજરંગ પુનિયાના પદ્મશ્રી સન્માન પરત કરી દેવા મામલે પણ મૌન સાધ્યું હતું.
સંસદની સુરક્ષામાં ચૂક મામલે તેમણે પીએમ મોદી સામે નિશાન તાક્યું હતું. કલ્યાણે કહ્યું કે ફક્ત ઈતિહાસના પન્નાઓ પર પોતાનું નામ લખવા માટે પીએમ મોદીએ ઉતાવળે નવી સંસદના ભવનનું નિર્માણ કરાવ્યું પણ તેના બદલે તેમણે સાંસદોની સુરક્ષા સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું.
ફક્ત એક ભાજપ સાંસદ જેણે એ ૨ લોકોને પાસ આપ્યા હતા તેને બચાવવા માટે વિપક્ષના ૧૪૬ સાંસદોને બરતરફ કરી દીધા હતા.
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીની ઘટનાને એક આર્ટ ગણાવતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિએ એક સ્કૂલના નાના બાળકની જેમ સામાન્ય વાતને લઈને ભારે હંગામો મચાવ્યો. SS2SS