દિલ્હી સહિત 6 રાજ્યોમાં ઝીરો વિઝિબિલિટી
હવાઈ સેવાને અસરઃ હરિયાણા-પંજાબમાં કોલ્ડ વેવનું એલર્ટ
નવી દિલ્હી, ધુમ્મસના કારણે સોમવારે સવારે ૬ વાગ્યે દિલ્હી સહિત ૬ રાજ્યોના એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. જેના કારણે ઘણી ફ્લાઈટને અસર થઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોને તેમની ફ્લાઈટ કન્ફર્મ કર્યા બાદ જ એરપોર્ટ પર આવવાની સલાહ આપી હતી.
હવામાન વિભાગ અનુસાર, રાજધાની દિલ્હી અને પાલમ એરપોર્ટ સિવાય પંજાબના અમૃતસર, ઉત્તર પ્રદેશના આગ્રા અને પ્રયાગરાજ, મધ્ય પ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાનના જેસલમેરમાં શૂન્ય વિઝિબિલિટી નોંધાઈ હતી.
દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસની લપેટમાં છે. હવામાન વિભાગએ કહ્યું કે નવા વર્ષમાં ઠંડી વધુ વધી શકે છે.
૨૫ થી ૨૮ ડિસેમ્બર દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં ધુમ્મસ વધશે. પંજાબ અને હરિયાણામાં કોલ્ડ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હી ઉપરાંત હૈદરાબાદ અને બેંગલુરુની ઘણી ફ્લાઈટને પણ અસર થઈ છે. વિસ્તારાએ તેની ઘણી ફ્લાઈટ્સના રૂટમાં ફેરફારની જાહેરાત કરી છે. વિસ્તારા એરલાઈન્સે ધુમ્મસના કારણે હૈદરાબાદથી દિલ્હીની છ ફ્લાઈટ ડાયવર્ટ કરી હતી.
બેંગલુરુથી હૈદરાબાદની ફ્લાઈટને બેંગલુરુ પરત મોકલવામાં આવી છે. એ જ રીતે મુંબઈથી હૈદરાબાદ જતી ફ્લાઈટને પણ પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન નિષ્ણાતોના મતે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વર્ષના અંતિમ દિવસ એટલે કે ૩૧મી ડિસેમ્બરથી સક્રિય થશે. જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને તમિલનાડુમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો વરસાદ પડશે. આ સિસ્ટમની અસર ૧ જાન્યુઆરીએ પણ રહેશે. તેથી આ વખતે નવા વર્ષની શરૂઆતમાં વરસાદ પડે તેવી સંભાવના છે.