ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ એલસીબી પોલીસે ધાનપુરના કાંટુ ગામે વોચ ગોઠવી છેલ્લા બે વર્ષથી અમરેલી, ભાવનગર, રાજકોટ ગ્રામ્યમાં ઘર ફોડ ચોરીના આઠ જેટલા ગુનામાં નાસતા ફરતા આરોપી હીમા ઉર્ફે હિંમત ભારતાભાઈ મોહનિયાને ઝડપી પાડી રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
દાહોદ એલસીબી પીઆઇ કેડી ડીંડોર, પીએસઆઇ એમએલ ડામોર, પી.એસ. આઈ. જે બી ધનેશા, એ.એસ.આઇ કરણભાઈ બચુભાઈ, હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ નરેન્દ્રસિંહ, કિરીટભાઈ ભેમાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ તોફાન ભાઈ, જયદીપસિંહ મકનસિંહ વગેરે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે,
છેલ્લા બે વર્ષથી અમરેલી, ભાવનગર તેમજ રાજકોટ ગ્રામ્યમાં મળી કુલ આઠ જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી ધાનપુરના કાંટુ ગામના હિમા ઉર્ફે હિંમત ભારતાભાઈ મોહનિયા પોતાના ઘરે આવેલ છે. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસ ની ઉપરોક્ત ટીમે કાટુ ગામે હીમા ઉર્ફે હિંમત મોહનિયાના ઘરની આસપાસ આયોજનબદ્ધ રીતે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી.
અને તેને ઘરની બહાર નીકળતા જ દબોચી લઈ અત્રેની કચેરીએ લાવી પૂછપરછ કરતા તેને વર્ષ ૨૦૨૨ ની અમરેલી સાવરકુંડલા પોલીસ સ્ટેશન, અમરેલી બગસરા પોલીસ સ્ટેશન, ભાવનગર મહુવા પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યના વર્ષ ૨૦૨૧ ના લોધિકા પોલીસ સ્ટેશન, સાવરકુંડલા, અમરેલી રોડ પર આવેલ અલગ અલગ ચાર કારખાનામાં ચોરી કરેલ,
સાવરકુંડલા નવા બાયપાસ રોડ પર આવેલ અલગ અલગ બે કારખાનાની ઓફિસ તોડી ચોરી કરવાનો પ્રયાસ , ભાવનગર જિલ્લાના મહુવા ગામે હનુમંત હોસ્પિટલ ની બાજુમાં આવેલ હોન્ડાના શોરૂમ તથા એક કેબિન ના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ ની તથા અમરેલી લાઠી રોડ પર આવેલ અલગ અલગ ચાર કારખાના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાની કબુલાત કરી હતી. જેથી દાહોદ એલસીબી પોલીસે તેને રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.