હરિદ્વારના વિદ્યાર્થીઓની ટીમ અરવલ્લી જિલ્લામાં ક્રાન્તિનો ફુંકશે શંખનાદ
૩૦ દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં માનવતાના વિચાર પહોંચાડશે
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, શાન્તિકુંજ-હરિદ્વાર ખાતે વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી છે. જ્યાં વૈજ્ઞાનિક અધ્યાત્મવાદની સાથે માનવીય ગુણોથી ઘડવાની ટંકશાળ છે. અભ્યાસક્રમ સાથે યોગ ,સાઇકોલોજી, વૈજ્ઞાનિક અધ્યાત્મ, યજ્ઞ વિજ્ઞાન, વૈકલ્પિક ચિકિત્સા , વ્યક્તિત્વ વિકાસ-જીવન પ્રબંધન જેવા વિષયો પર વિદ્યાર્થીઓને ઘડીને સમાજ સેવાની પ્રેરણા આપે છે.
આજથી પાંચ વર્ષ અગાઉ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય,શાન્તિકુંજ હરિદ્વારના પ્રતિકુલપતિ ડૉક્ટર ચિન્મય પંડ્યાજીના માર્ગદર્શનમાં આ વિશ્વ વિદ્યાલયમાંથી દર વર્ષે ભારતભરના જિલ્લાઓમાં ચાર હજાર જેટલાં શક્તિપીઠો- ગાયત્રી પરિવારના સંસ્થાનોમાં ઈન્ટરશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમો મોકલવામાં આવે છે.
દરેક જિલ્લાઓમાં એક એક ટીમ એક મહિના સુધી પરિભ્રમણ કરે છે. શાળા- કોલેજોમાં તેમજ ગામેગામ સંપર્ક ઉદ્બોધન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નૈતિક, સામાજીક અને બૌધ્ધિક અલગ અલગ વિષયો પર આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અને સ્વસ્થ માનવીય જીવન માટે માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે. સાથે સાથે યોગ, આશન, પ્રાણાયામ વિજ્ઞાન તેમજ વૈકલ્પિક ચિકિત્સા અંતર્ગત પ્રેક્ટિકલ પ્રયોગ કરી સમજાવે છે.
અરવલ્લી જિલ્લામાં ૩૦ દિવસ માટે હાલમાં મોડાસા ખાતે વિદ્યાર્થીઓની ટીમ આવેલ છે. ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કાર્યક્રમોની શૃંખલા ઘડવામાં આવી. દિવસે શાળા કોલેજો અને રાત્રે અલગ અલગ ગામોમાં આયોજન શરુ કરવામાં આવ્યા છે. ફરેડી, સાકરીયા,ઝાલોદર ,ડુગરવાડામાં અલગ અલગ વિષયો ગ્રામસભાઓથી શરુઆત થઈ. જે મોડાસા તાલુકામાં પાંચ દિવસ આ ટીમ કાર્યરત રહેશે.
અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત બાયડ, ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા દરેક તાલુકામાં આ વિદ્યાર્થીઓની ટીમ પાંચ પાંચ દિવસ રોકાઈ માનવતાની ક્રાન્તિનો શંખનાદ કરશે.