બાંકડો: દસ્તાવેજ વિહોણું અધિકાર ક્ષેત્ર
બારેમાસ ધૂણી ધખાવીને બેઠેલો સાધુ હોય ,એવો લાગે મને બાંકડો .
લોકોના વસવાટના વિસ્તારોમાં ,ગાર્ડનમાં કે સોસાયટીની બહાર તમને બાંકડાઓ જોવા અચૂક મળશે .એ ત્યાં રોજ બરોજ આવતા વડીલો માટે કે યુવાનો માટે અધિકૃત હક વાળી બેઠક બની જતી હોય છે .વડીલોનું આ બેસવાનું અને મળવાનું સ્થળ બની જાય ,ત્યારે એની સાથે તેઓની અલગ સંવેદનાઓ પણ જોડાઈ જાય છે .
અંગ્રેજી ભાષાના બેંચ શબ્દ પરથી બાંકડો શબ્દ સમયાંતરે અપ્રભંશ થતો કે બદલાતો બદલાતો આવ્યો હશે ,એવું મારી જાણકારીમાં છે .બાંકડો કેટલાંક ખાસ કાર્યોનો સાક્ષી પણ બની જતો હોય છે.જેટલી જ્ઞાનની ચર્ચા ઘરમાં , શાળામાં કે કોલેજમાં અથવા જીવનની પાઠશાળામાં નહીં થતી હોય ,એટલી ચોરે અને ચૌટે મુકેલા બાંકડાઓ પર થતી હશે.પોત પોતાના વિચારો અને મુંઝવણો ની ચર્ચા કરતા કરતા વડીલો અહીં પોતાનું જીવન જીવતા હશે .ખાસ કરીને વડીલોને શાતા આપતા બાંકડાનું સ્થાન દરેકના જીવનમાં અનોખું હોય છે. તેથી જ મને દરેક બાંકડો વડીલોને માટે સદાવ્રત જેવો લાગે છે .
બગીચાના કોઈ એવા નિર્જન અને થોડા અપરિચિત સ્થળે મુકાયેલા બાંકડા પર કોઈ યુગલ બેઠું હોય ત્યારે ,એને મન તો એ બાંકડો પ્રેમની કેડીના એક પગથિયા સમાન લાગતો હશે .સંયુક્ત કુટુંબમાં પરણીને આવેલી યુવતી એના પતિ સાથે એ બાંકડે બેસી સાસુમા કે નણંદના બોલેલા શબ્દો કહી જો આંસુ સારતી હોય ત્યારે ,
એ યુવતીને મન પિયરની સખીના ઘરનાં ઓટલે બેઠી હોય એવું એને લાગતું હશે .ઝગડીને કોલેજ કે શાળાએથી આવેલા મિત્રોને મન તો ,આ બાંકડો ફરી મિત્રતા કરી લઈએ એવું કહેણ મોકલનાર દૂત જેવો લાગતો હશે .
બાંકડા વિનાનો બગીચો એટલે અરીસા વગરનું ઘર .કેટલાંય લોકોના રહસ્યો જાણતો હોવા છતાંય ચુપચાપ બેસી રહે છે આ બાંકડો .ખરીદી કરીને આવનાર વૃદ્ધાને કે સગર્ભાને મન એ મદદ કરવા દોડી આવેલો દીકરાનો કે પતિના હાથ જેવો છે.
એકલતાનો સાથી અને ક્યારેય ઉદાસીનતા ઘેરી વળે ત્યારે મિત્ર જેવો લાગતો બાંકડો કોઈ વિશેષણ વગર જ મને ગમે છે .બાંકડા પર સ્ફૂરેલી મારી કવિતાઓની યાદી થોડીક લાંબીતો છે જ . ઘરમાં નહીં , ઘરથી બહુ દૂર નહીં , લોકો વચ્ચે પણ અને લોકોથી દૂર પણ ખરો ,એવો બાંકડો , જાણે કોઈ સુકાયેલા વૃક્ષની વ્યથા કહેતો હોય એવું પણ ક્યારેક લાગે છે .ક્યારેક કોઈકની રાહ જોતી યુવતીને બાંકડે બેઠેલી જોઉં ત્યારે ,મને વસંતની મધુરતા માણી ચુકેલી એક ડાળીમાંથી આ બાંકડો બન્યો હશે એવું લાગે.
બાંકડાની જેમ ઓટલાનું પણ નોખું વિશ્વ છે .ઓટલોનું ગ્રામ્યજીવનમાં આજે પણ અલગ સ્થાન છે .બાંકડાનું અને ઓટલાનું આમતો અલગ અલગ મહત્વ છે .શહેરમાં બાંકડાઓ વધુ જોવા મળે છે . હવે લાકડા અને લોખંડ ના નહીં પથ્થર અને સિમેન્ટના બાંકડાઓ જોવા મળે છે .
ઓટલો મોટાભાગે ઘરને અડીને આવેલો હોય ,જયારે બાંકડો ઘરથી દૂર કોઈ સાર્વજનિક જગ્યાએ મુકેલો હોય . હવેના જમાનામાં આપણે વાહનો સંખ્યા એટલી ભયજનક રીતે વધારી દીધી છે એટલે સગવડતાઓ ખુબ વધી ગઈ છે પરંતુ ,એ વાહનોને પાર્ક કરવાની કવાયત એટલી જ વધી ગઈ છે .વાહન મુકવાની જગ્યા મળી રહે એ કારણથી જ ઘરના ઓટલા લુપ્ત થતાં ગયા છે .
ફ્લેટ્સના નસીબમાં હવે એ ઓટલા ક્યાંથી હોય ? પહેલાં ઓટલાના નસીબમાં રંગોળી હતી ….! વિસામો હતો …! શાંતિ હતી …! હવે એ સંસ્મરણોના રંગ ઉતરી ગયા છે .ઓટલા વિહોણા ઘરો જ શહેરના ભાગ્યમાં આવશે એવું લાગી રહ્યું છે …!
બાંકડાના નસીબમાં માત્ર અને માત્ર હાશકારો હોય છે .પહેલાં ઓટલો ઘરની રોનક કહેવાતો હતો ,જયારે આજે બાંકડો નેતાઓ અને દાતાઓના નામ સાથે ઓળખાઈ રહ્યો છે.
બાંકડાનું સ્થાન ક્યારેક જો બદલવામાં આવે તો ? તે સમયે કેટલાંય લોકોના નિસાસા અને નાનકડાં યુદ્ધો પણ મેં જોયા છે . મારા ઘરની પાસેના બગીચા પાસે મુકેલો એક બાંકડો મ્યુનિસિપાલિટીએ , આ જમીન કપાતમાં આવી ગઈ છે … એવું કહી તે ત્યાંથી હટાવ્યો ત્યારે ,મેં કેટલાય વડીલો અને યુવાનોને નિસાસા નાંખતા જોયા . કેટલાંક તો વળી આક્રમક મૂડમાં પણ આવી ગયા હતા .આવા એક બનાવની જયારે હું ,સાક્ષી બની , ત્યારે અને આ લેખનું કથાબીજ પણ ત્યાંથી જ મળ્યું .
ઓટલાને તો ઘરની ભીંતનો સથવારો હંમેશા સાંપડતો રહે છે , જયારે બાંકડાના નસીબમાં એ સુખ નથી હોતું.બગીચાની વચ્ચે કે નદી કિનારે મુકાયેલા બાંકડા સદનસીબ ખરા. ઓટલાને કે બાંકડાને જો વાચા મળે તો? ઓટલો કહી શકે ,કે દરેક ઘરના સભ્યોનો સ્વભાવ કેવો છે …!પડોશીઓના મંતવ્યો કેવા છે …?
જયારે બાંકડો કહી શકે , અહીં બેસનાર ઘણીવાર ઘેર હવે નથી જવું એવા વિચાર સાથે ઉઠ્યો હતો ..!
સ્મશાનમાં કે મંદિરમાં મુકાયેલો બાંકડો કેટલાં મનોભાવોને રોજ જોતો હશે અને શું એની સાથે જીવતો પણ હશે ! કોઈ દિવાલ
ની દેખીતી હૂંફ કે ઓથ વગર જીવતો બાંકડો મનને સ્પર્શે છે .મને એ પણ વિચાર આવે છે.કે ,વરસતા વરસાદમાં કોઈકવાર બાંકડા પર કોઈ યુગલ આવીને થોડુંક જીવી પણ લેતું હશે , તો ગરમીમાં ઝાડ નીચે મુકેલો બાંકડો વડીલોને આશ્વાસન પણ આપતો હશે . ઓટલો , આંગણું કે બાંકડો આપણી લોકવિરાસત છે …..આપણા જીવનમાંથી ધીરે ધીરે તેઓ વિદાય લેવા લાગ્યા છે .
સમય તો છે સૌ પાસે વિતાવવા માટે પણ , હવે લોકોની પ્રાયોરીટીઓ બદલાઈ ગઈ છે .પહેલાં વાતો કરવાં મિત્રોનું મિલનસ્થળ માત્ર ઓટલો કે બાંકડો રહેતાં , હવે કોફીટેરિયા અને રેસ્ટોરેન્ટ બની ગયા છે.દરેક પાસે મોબાઈલ છે હવે ,દરેકને એવું જ લાગે છે કે , બધા સાથે એ અદ્રશ્ય રીતે જોડાયેલો છે જ . તેથી મિત્રોને રૂબરૂ મળવાની ક્યાં જરૂર છે?આજ વિચારો આપણને એકલતાની ખીણ તરફ ધકેલે છે.મિત્રોનું જીવનમાં મજબૂત સ્થાન હોય છે , એવું હું માનું છું .
ઓટલો હોય કે બાંકડો આપણી યાદો સાથે આધિપત્ય જમાવે છે.મનને બેસવામાં માટે પણ કોઈ સારું ઠેકાણું જોઈએ છે ,તેવી રીતે યાદોને ઠરવા માટે પણ એક બાંકડારૂપી શીતઘર જોઈએ છે .
બાંકડો જો બની જાય આભાસી પ્રતિબીંબનું પુસ્કાલય , તો કેટલાંય જીવનમાં આંધી આવી જાય . મૂક પ્રેક્ષક સમા બાંકડાને આજે કરું એક અરજ … આપણી વિરાસતના ઘણાં સ્વરૂપો બદલાયા છે , પણ બાંકડો તું ,ક્યારેય ના બદલાઈશ .ક્યારેક તને બોલવાનું મન થઇ આવે તો , દરેકની સારી યાદો વિષે જ બોલજે .ઘણાંના ઘર તૂટતાં બચી જશે . ક્યારેક તમે પણ બાંકડે બેસીને વિચારી જોજો ,
તખ્તી વગરનો બાંકડો હું શોધું છું ,
તખ્તી વગરનાં મંદિરો હું શોધું છું ,
નામ મૂકીને જવાના અભરખાને મમળાવું છું , સ્પર્શની પેટીમાંથી સુખ-દુઃખના વાઘાને શણગારું છું ,
એકલતાનો સ્વાદ કેવો હશે …!
એ બાંકડાને પૂછીને હું લખું છું …!!
બાંકડા પર બેસી જૂની યાદો ને જીવંત કરી,તમે કેટલું બીજા માટે જીવન જીવ્યા છો …એની યાદી જરૂર બનાવજો.