Western Times News

Gujarati News

31મી સુધીમાં ITનું રીવાઈઝડ રિટર્ન ફાઈલ ન થાય તો કાર્યવાહીની આડકતરી ચિમકી

બેંકો-મ્યુચ્યુઅલ ફંડો જેવી એજન્સીઓના આંકડાના આધારે રિટર્નમાં મોટા વ્યવહારો છુપાવવાનો ભાંડો ફુટયો: 

અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં મોટા દરોડા ઓપરેશન હાથ ધરનાર ઈન્કમટેકસ વિભાગ ચાલુ નાણાકીય વર્ષનો ટારગેટ હાંસલ કરવા માટે કરચોરી પર ગોળીયો કસી રહ્યું છે. છેલ્લા દિવસોમાં હજારો કરદાતાઓને નોટીસ-એડવાઈઝરી ફટકારવામાં આવી છે.

આવકવેરા રીટર્નમાં આંકડાકીય વિગતો ‘મીસમેચ’ થતા આ કાર્યવાહી થઈ છે. બેંકો-મ્યુચ્યુઅલ ફંડ જેવી એજન્સીઓ તરફથી સાંપડેલા આંકડાકીય રિપોર્ટમાં મોટી રકમના વ્યવહારોનો ખુલાસો થતા ઈન્કમટેકસ એકટીવ બન્યુ છે.

આવકવેરા રિટર્નમાં મીસમેચ હોવાથી હજારો કરદાતાઓને માસાંત સુધીમાં રીવાઈઝડ રીટર્ન ફાઈલ કરવાની સલાહ-સૂચના આપવામાં આવી છે. કરવેરા નિષ્ણાંતોએ આ નોટીસ નથી પરંતુ ઈન્કમટેકસે પ્રથમ વખત એડવાઈઝરી પાઠવી છે. સામાન્ય રીતે આવકવેરા વિભાગ એસેસમેન્ટ વર્ષ પુર્ણ થયા બાદ રીટર્ન મીસ મેચમાં સ્ક્રુટીની નોટીસ ફટકારવામાં આવે છે અને દસ્તાવેજો સોંપવા કહેવાતુ હોય છે.

પરંતુ આ વખતે પ્રથમવાર ઈન્કમટેકસ અલગ પ્રકારની પહેલ કરી છે. રિટર્ન મીસમેચ થતા હોવાથી રીવાઈઝડ રીટર્ન ફાઈલ કરવા કહેવાયુ છે. સાથોસાથ એવી આડકતરી ચીમકી અપાઈ છે કે અન્ય એજન્સીઓના રિપોર્ટના આધારે તંત્ર પાસે વાસ્તવિક હિસાબી સરવૈયા ઉપલબ્ધ છે.

કરદાતાઓ દ્વારા સામાન્ય રીતે તમામ નાણાકીય વ્યવહારો રીટર્નમાં દર્શાવવામાં આવતા હોય છે પરંતુ જેઓએ બધા નાણાકીય વ્યવહાર દર્શાવ્યા નથી તેઓને એડવાઈઝરી પાઠવી છે.

આવકવેરા વિભાગે ‘એકસ’ (ટવીટર) પર એમ કહ્યું છે કે કરદાતાઓની સરળતા માટે અને રીટર્નમાં દર્શાવેલી વિગતોને ધ્યાને લેવાની સલાહ છે. એડવાઈઝરી એ નોટીસ નથી. ઈન્કમટેકસ વિભાગને અન્ય એજન્સીઓ તરફથી મળેલી નાણાકીય વ્યવહારોની વિગતો કરદાતાના રીટર્ન સાથે મીસમેચ થતી હોવાથી રિટર્ન સુધારવાની સલાહ છે. કરદાતાઓને રિટર્ન સુધારવાની તક આપવાનો ઉદ્દેશ છે. 2023-24ના આકારણી વર્ષ માટે રીવાઈઝડ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ મુદત 31 ડિસેમ્બરની છે એટલે કરદાતાઓ આ કાર્યવાહીને પ્રાધાન્ય આપે તેવી પણ સલાહ આપવામાં આવી છે.

વર્તમાન નાણાકીય વર્ષ પુર્ણ થવાના આડે માત્ર ત્રણ મહિના બાકી રહ્યા છે અને વસુલાતનો ટારગેટ પુર્ણ કરવા પર ફોકસ વધારવામાં આવ્યું છે. ડીજીટલ યુગમાં ઈન્કમટેકસને વિવિધ સરકારી એજન્સીઓમાંથી કરદાતાઓના નાણાકીય વ્યવહારો ઉપલબ્ધ બનતા હોય જ છે અને તેના આધારે આ કાર્યવાહી થઈ છે. હજારો કરદાતાઓને ઈન્કમટેકસની એડવાઈઝરી મળતા ફફડાટ છે અને નિયત મુદતમાં રીવાઈઝડ રિટર્ન કરવાની દોડધામ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.