Western Times News

Gujarati News

બોર્ડર ફિલ્મ સલમાન-અક્ષય અને અજયે ઠુકરાવી હતી

મુંબઈ, બોલિવૂડમાં અવારનવાર એકથી એક ચડિયાતી ફિલ્મ રિલીઝ થાય છે, જેમાંથી કેટલીક બોક્સ ઓફિસ પર સફળ થાય છે અને કેટલીક સફળ થતી નથી. તે જ સમયે, કેટલીક ફિલ્મો એવી હતી જેને લોકો વર્ષો સુધી યાદ રાખે છે અને આવી જ એક ફિલ્મ હતી ‘બોર્ડર’.

ફિલ્મ ડાયરેક્ટર જેપી દત્તાની ફિલ્મ બોર્ડર આજે પણ લોકોમાં ખૂબ જ ફેમસ છે. આજે પણ, તમે આ ફિલ્મ જેટલી પણ વાર જોશો, તમને ક્યારેય કંટાળો નહીં આવે. આ ફિલ્મે માત્ર એક નહીં પરંતુ અનેક કલાકારોનું કરિયર પાટે ચડાવ્યું હતું.’બોર્ડર’ એક મલ્ટી સ્ટારર ફિલ્મ હતી, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર બેઝ્ડ હતી.

આ ફિલ્મમાં સની દેઓલ મેજર કુલદીપ સિંહ ચાંદપુરી, જેકી શ્રોફ વિંગ કમાન્ડર આનંદ અને સુનિલ શેટ્ટી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કેપ્ટન ભૈરોન સિંહના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં સેકન્ડ લેફ્ટનન્ટ ધરમવીર સિંહ ભાન તરીકે અક્ષય ખન્ના, સુબેદાર રતન સિંહ તરીકે પુનીત ઈસાર, નાયબ સુબેદાર મથુરા દાસ તરીકે સુદેશ બેરી અને કુક હવાલદાર ભાગીરામ તરીકે કુલભૂષણ ખરબંદા દર્શકો વચ્ચે છવાઇ ગયાં હતાં. પરંતુ, આ ફિલ્મમાં જેની સૌથી વધુ પ્રશંસા થઈ હતી તે અક્ષય ખન્ના હતો, જે ફિલ્મી દુનિયામાં હજું નવો આવ્યો હતો.

આ તેની બીજી ફિલ્મ હતી. તેની પહેલી ફિલ્મ ‘હિમાલય પુત્ર’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તે જ સમયે, અક્ષય ખન્નાની બીજી ફિલ્મ ‘બોર્ડર’ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ.

આ ફિલ્મમાં અક્ષય ખન્ના દેશભરમાં ધરમવીર સિંહ ભાનના નામથી ફેમસ થયો હતો, કારણ કે ફિલ્મમાં તેનું કેરેક્ટર ખૂબ જ દમદાર હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મમાં ધરમવીર સિંહ ભાનના રોલ માટે અક્ષય ખન્ના મેકર્સની પહેલી પસંદ નહોતો, પરંતુ મેકર્સ અને ડિરેક્ટર આ રોલ માટે કોઈ ફેમસ એક્ટરને કાસ્ટ કરવા માંગતા હતા.

કહેવાય છે કે આ રોલ માટે જેપી દત્તા સૌથી પહેલા સલમાન ખાન પાસે ઓફર લઈને ગયા હતા. જ્યારે સલમાનને ધરમવીર સિંહ ભાનના રોલની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેણે પોતાને આ રોલ માટે યોગ્ય ન માનીને ઓફર ફગાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સલમાનના ઇનકાર પછી, ડિરેક્ટરે અક્ષય કુમારનો સંપર્ક કર્યો, પરંતુ તેણે પણ કેટલાક કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી.

સલમાન અને અક્ષય બાદ જેપી દત્તાએ પણ અજય દેવગનનો સંપર્ક કર્યો અને તેણે પણ ઓફર ફગાવી દીધી, અંતે ડિરેક્ટરે નવા એક્ટર અક્ષય ખન્નાને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી અને અક્ષય તરત જ તેમાં કામ કરવા રાજી થઈ ગયો. આજે પણ આ ફિલ્મમાં અક્ષય ખન્નાને ધરમવીર સિંહ ભાન તરીકે યાદ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.