Western Times News

Gujarati News

૨જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે

File Photo

પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા.૧લી ફેબ્રુઆરી થી  ૨૯ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી મળશે :-પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. ૧લી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બજેટ સત્રમાં તા.૨જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે.

પ્રવકતા મંત્રી શ્રી એ ઉમેર્યું કે,આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

તેમણે કહ્યું કે, વર્ષ૨૦૨૪-૨૫નું બજેટ તા.૨જી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ  કરવામાં આવેલા બજેટસત્રમાં ૨૬ બેઠકોમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના ૨૪ દિવસ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.