લાઈબેરિયામાં ટ્રક સાથે ટકરાયા બાદ ટેન્કરમાં આગથી ૪૦નાં મોત
મોનરૉવિયા, પશ્ચિમ આફ્રિકાના લાઇબેરિયામાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં ટ્રક સાથે અથડાયા બાદ એક ઓઈલ ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થતા ૪૦ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પશ્ચિમ આફ્રિકાના લાઈબેરિયાના લોઅર બોંગ કાઉન્ટીના ટોટોટામાં ગઈકાલ મોડી રાત્રે એક ઓઈલ ટેન્કર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. ટ્રક સાથે અથડાયા બાદ તરત જ ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થતા ૪૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મૃત્યુઆંક વધવાની આશંકા છે.
યુએનના આંકડાઓ અનુસાર ખરાબ રસ્તાઓ અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આફ્રિકાને દુર્ઘટના માટે વિશ્વનું સૌથી ભયંકર ક્ષેત્ર બનાવી દીધું છે ત્યારે લાઇબેરિયામાં રોડ અકસ્માતો એ મુખ્ય ચિંતાનો વિષય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવા ડેટા અનુસાર લાઇબેરિયામાં રોડ અકસ્માતમાં ૧,૯૨૦ મૃત્યુ થયા હતા, જે કુલ મૃત્યુના ૫.૭૦ ટકા છે.
અહીં રોડ અકસ્માતમાં મૃત્યુ દર વિવિધ ઉંમર દીઠ ૫૫.૮ છે. આ જ કારણ છે કે લાઈબેરિયા રોડ અકસ્માતને કારણે થતા મૃત્યુમાં વિશ્વમાં ચોથા ક્રમે છે.
અહીં રોડ અકસ્માતોના ઘણા કારણો છે, જેમાં ટ્રાફિક નિયમો અને માળખાકીય સુવિધાઓનો અભાવ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, નશામાં ડ્રાઇવિંગ, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું વગેરેનો સમાવેશ થાય છે. SS2SS