Western Times News

Gujarati News

જાન્યુઆરી 2024થી કેનેડામાં અભ્યાસ કરવાનો ખર્ચ વધી જશે

files Photo

ભારતીય સ્ટુડન્ટ્‌સની ચિંતા વધી

સ્ટુડન્ટે પોતાની પાસે ૨૦૬૦૦ ડોલરથી વધારે નાણાકીય ક્ષમતા દેખાડવી પડશે, આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે બીજા ખર્ચ તો ઉભા જ છે

નવી દિલ્હી, કેનેડામાં વર્ષ ૨૦૨૪થી કેટલાક નવા નિયમો લાગુ થવાના છે જેના કારણે ભારત સહિતના તમામ ફોરેન સ્ટુડન્ટ્‌સ માટે કેનેડામાં ભણવાનો ખર્ચ વધી જવાનો છે. એક તરફ કેનેડા પોતાને હાયર એજ્યુકેશન માટે આકર્ષક સ્થળ બનાવવા માટે જુદા જુદા પગલાં લે છે. બીજી તરફ અહીં ભણવા આવનારા સ્ટુડન્ટ નાણાકીય રીતે સદ્ધર હોય તે વાતની પણ કાળજી રાખે છે. તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન અને ઊજીમાં કેનેડિયન યુનિવર્સિટીઓએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા તમામ વિદ્યાર્થીઓએ પહેલી જાન્યુઆરી, ૨૦૨૪થી નાણાકીય રીતે વધારે સક્ષમ બનવું પડશે.

તેનું કારણ છે કે હવે મિનિમમ કોસ્ટ ઓફ લિવિંગ માટે સ્ટુડન્ટે પોતાની પાસે ૨૦,૬૩૫ કેનેડિયન ડોલરની મૂડી દેખાડવી પડશે. અગાઉ માત્ર ૧૦,૦૦૦ ડોલરથી કામ ચાલી જતું હતું. કેનેડા ભણવા આવતા વિદ્યાર્થીઓ પોતાનો તમામ ખર્ચ ઉઠાવવા સક્ષમ છે તેની ખાતરી કરવા માટે આ રકમ બમણી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમની જાહેરાત કરી હતી. આ એક ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોસેસિંગ પ્રોગ્રામ છે જે ખાસ કરીને ભારત, ચીન, ફિલિપાઈન્સ અને વિયેતનામના સ્ટુડન્ટને ઝડપથી વિઝા અપાવવા માટે છે.

સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમમાં પાસ થવા માટે વિદ્યાર્થી પાસે પોસ્ટ સેકન્ડરી ડેઝિગ્નેટેડ સંસ્થાનું એક્સેપ્ટન્સ લેટર, પ્રથમ વર્ષની ટ્યુશન ફી ભરી હોવાનો પૂરાવો અને ગેરંટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ રજુ કરવા પડે છે. આ પ્રોગ્રામના કારણે વિઝાની પ્રક્રિયા સરળ બની જાય છે અને ભારતીય સ્ટુડન્ટે ઓછા સમય માટે રાહ જોવી પડે છે. કેનેડાએ તાજેતરમાં જે નિયમોમાં ફેરફાર કર્યો છે તેના કારણે વિદ્યાર્થીઓને ફ્રોડ સામે રક્ષણ મળી શકશે. સ્ટુડન્ટને છેતરપિંડીથી બચાવવા માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં ફેરફાર સૂચવવામાં આવ્યા છે.

તે મુજબ હવે દરેક વિદ્યાર્થીનું ખાસ વેરિફિકેશન કરવામાં આવશે. તેમની પાસેના લેટર ઓફ એક્સેપ્ટન્સ પણ ચકાસવામાં આવશે અને તેઓ માન્યતાપ્રાપ્ત કોલેજમાં જ ભણે છે તે વાતની ખાતરી કરવામાં આવશે. કારણ કે ઘણા એજન્ટો યુવાનોને બોગસ લેટર ઓફ એક્સેપ્ટન્સ આપીને છેતરતા હોય છે. ભારતના સ્ટુડન્ટ્‌સ માટે કેનેડા એક આકર્ષક દેશ તરીકે ઉભરી આવ્યો છે. કેનેડામાં ભણતા કુલ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ લગભગ ૪૦ ટકા છે. તે દર્શાવે છે કે કેનેડામાં લોકોને વધારે સારી તક દેખાય છે.

કેનેડાના એજ્યુકેશન સેક્ટરને ભારતીય સ્ટુડન્ટસમાંથી વર્ષે આશરે ૧૦ અબજ કેનેડિયન ડોલરની આવક થાય છે. ગયા વર્ષના અંતમાં કેનેડાની કોલેજો અને બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ ૩.૨૦ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. કેનેડામાં હાલમાં મોટી સમસ્યા હાઉસિંગની છે. અહીં વિદ્યાર્થીઓની સંખ્યામાં જે ઝડપે વધારો થાય છે તે ઝડપથી મકાનો નથી બની રહ્યા. તેના કારણે ભાડાના દરમાં બહુ મોટો વધારો થયો છે. તેવી જ રીતે અહીં વ્હાઈટ કોલર જોબની સંખ્યા બહુ ઓછી છે. મોટા ભાગના ભારતીયો સારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવા છતાં સખત મજૂરી કરવી પડે તેવી બ્લૂ કોલર જોબ મેળવી રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.