નીના સિંહ સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ બન્યા
નવી દિલ્હી, પહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સહિત અનેક તપાસ એજન્સીઓમાં મહત્વના પદો પર રહી ચૂકેલા નીના સિંહને હવે સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ (ડીજી) બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાન કેડરના ૧૯૮૯ બેચના આઈપીએસઅધિકારી નીના સિંહે પણ નીરવ મોદી કૌભાંડની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે નોબેલ વિજેતાઓ સાથે પુસ્તકો પણ લખ્યા છે. કેન્દ્રની મોદી સરકારે રાજસ્થાન કેડરના વરિષ્ઠ આઈપીએસઅધિકારી નીના સિંહને સીઆઈએસએફની જવાબદારી સોંપી છે.
સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ (ડીજી) તરીકે નિયુક્ત થનારા તે પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી છે. હવે દિલ્હી મેટ્રો અને એરપોર્ટની સુરક્ષાની જવાબદારી તેમના ખભા પર રહેશે.
૨૦૨૧ થી સીઆઈએસએફમાં કાર્યરત નીના સિંહ ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધી ડીજીના પદ પર રહેશે. રાજસ્થાનમાં પણ નીના સિંહ ડીજી પદ સુધી પહોંચનાર પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી હતા.
નીના સિંહ રાજસ્થાન અને કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં પણ મહત્વના હોદ્દા પર રહી ચૂક્યાં છે. તેમણે રાજસ્થાનમાં એડીજી (તાલીમ) અને ડીજી, રાજ્ય મહિલા આયોગ, નાગરિક અધિકારો અને માનવ તસ્કરી વિરોધી એકમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કોરોના મહામારી દરમિયાન, તેમણે રાજસ્થાન આરોગ્ય વિભાગમાં મુખ્ય સચિવની જવાબદારી સંભાળી હતી. નીના સિંહ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈમાં જાેઈન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. જ્યારે તે સીબીઆઈમાં હતા ત્યારે તેમણે પીએનબી બેંક કૌભાંડ અને નીરવ મોદી કેસમાં ઘણા ખુલાસા કર્યા હતા.
આઈપીએસ અધિકારી નીના સિંહ બિહારના વતની છે, તેમણે પટના મહિલા કોલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. પોલીસ વિભાગમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને મોસ્ટ એક્સેલન્ટ સર્વિસ મેડલ (એયુએસએમ) પણ એનાયત કરવામાં આવ્યા હતો.
પુસ્તકો લખવામાં પણ તેમને ભારે રસ છે. તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે બે સંશોધન પત્રોમાં સહ-લેખન કર્યું છે. SS2SS